[પાછળ]
વેલ્યું છૂટિયું રે વીરા…
 
વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ
ધોળીડાં બાંધ્યા રે વડને  વાંકીએ

ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય
વચલી પાણિયારીએ વીરને  ઓળખ્યો

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની   બોલાશે   વીરને    ઓળખ્યો

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર
ઉતારા  દેશું  ઊંચા  ઓરડા

વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ
ધોળીડાં  બાંધજો  રે વચલે  ઓરડે

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય
ઉપર   નીરીશ   રાતી   શેરડી

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર
પાશેર રાંધીશ   કાજુ  ખીચડી

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ
ઉપર  આદુ  ને ગરમર  અથાણાં

જમશે જમશે રે મારો માડીજાયો વીર
ભેળી બેસશે રે  એક જ  બેનડી

ઊંચી મેડી રે વીરા ઉગમણે દરબાર
તિયાં રે  ઢળાવું  તારા  ઢોલિયા

પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર
પાસે  બેસે  રે  એક  જ બેનડી

કરજે કરજે રે બેની સખદખની વાત
ઘેરે  જાશું  તો  માતા  પૂછશે

ખાવી ખાવી રે વીરા ખોરુડી જાર
સૂવું રે માડીના  જાયા સાથરે

બાર બાર વરસે વીરા માથડિયાં ઓળ્યાં
તેર   વરસે    તેલ    નાખિયાં

મેલો મેલો રે બેની તમારલા દેશ
મેલો રે બેની તમારાં સાસરાં

વીરા વીરા રે બેની માસ છ માસ
આખર જાવું રે બેનને સાસરે

ભરવાં ભરવાં રે વીરા ભાદરુંનાં પાણી
ભાદરની રેલે  બેની તણાઈ  ગયાં

આ ને કાંઠે રે વીરો રહ રહ રુએ
ઓલ્યે કાંઠે રુએ એની માવડી

ક્લીક કરો અને સાંભળો હેમુ ગઢવી અને
દીના ગાંધર્વના કંઠે ગવાયેલું આ લોકગીતઃ

[પાછળ]     [ટોચ]