[પાછળ]
સરવણની કથા

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ            
                  સરવણ રિયો એની માને પેટ

કાળી પછેડી ને ભમરિયાળી ભાત              
                   સરવણ જનમ્યો માઝમ રાત

અડીકડી વાવ ને નવઘણ કૂવો                  
                    ત્યાં સરવણનો જનમ હુઓ

લાંબી પીપળ ટૂંકા પાન                        
                  સરવણ ધાવે એની માને થાન

સાત વરસનો સરવણ થીયો                   
                      લઈ પાટીને ભણવા ગીયો

ભણી ગણી બાજંદો થીયો ને                  
                    સુખણી નારને પરણી ગીયો

સુખણી નાર મારાં વચન સુણો રે               
             મારાં આંધળા માબાપની સેવા કરો

આંધળા માબાપને કૂવામાં નાખ                 
                        મને મારે મહિયર વળાવ

મોર સરવણ ને વાંહે એની નાર                 
             સરવણ આવ્યો એના સસરાને દ્વાર

સસરાજી રે મારા વચન સુણો                 
                   તમારી દીકરીને  ઘરમાં પૂરો

રો' રો' જમાઈરાજ જમતા જાવ               
                 દીકરીના અવગણ  કહેતા જાવ

ઈ અભાગણીનું મોં કોણ જુએ                 
                       મારાં માબાપને નાખે કૂવે

ત્યાંથી તે સરવણ ચાલતો થયો                 
                ને સરવણ આવ્યો સુતારીને દ્વાર

ભાઈ રે સુતારી મારા વચન સુણો              
            મારાં આંધળા માબાપની કાવડ ઘડો

કાવડ ઘડજો ઘાટ સઘાટ                        
                  સોહ્યલાં બેસે મારા મા ને બાપ

ત્યાંથી સરવણ ચાલતો થયો                    
                  ને સરવણ આવ્યો દરજીને દ્વાર

ભાઈ રે દરજીડાં મારાં વચન સુણો               
           મારાં આંધળા માબાપના લૂગડાં સીવો

લૂગડાં સીવજો માપ સમાપ                      
                    સોહ્યલાં પેરે મારાં મા ને બાપ

ત્યાંથી તે  સરવણ ચાલતો થયો                  
                 ને સરવણ આવ્યો મોચીડાંને દ્વાર

ભાઈ રે મોચીડાં મારાં વચન સુણો               
                આંધળા માબાપની મોજડી સીવો

મોજડી સીવજો ઘાટ સઘાટ                      
                    સોહ્યલી પેરે મારાં મા ને બાપ

ખભે કાવડ ને હાથમાં નીર                       
                    સરવણ આવ્યો જમનાને તીર

નાહ્યાં જમનાનાં પાવન નીર                     
                       ત્યાથી હાલ્યાં સરયુને તીર

ડગલે પગલે પંથ કપાય                         
                   પણ ત્યાં માબાપ તરસ્યા થાય

દશરથ બેઠાં સરવર પાળ                        
                   અંધારે હરણાંનો કરવા શિકાર

ભરીયા લોટા ખળભળ્યાં નીર                    
                  ને સરવણ વીંધાયો પેલે જ તીર

મરતાં તે લીધાં રામનાં નામ                     
                   દથરથ આવી ને ઊભા તે ઠામ

મરતાં મરતાં બોલતો ગીયો                      
              મારાં આંધળા માબાપને પાણી દીયો

દશરથ આવ્યા પાણી લઈ                        
                      બોલ્યા માબાપની પાસે જઈ

માવતર તમે પાણી પીઓ                        
                   સરવણ તો પેલે ગામ જ ગીયો

આંધળાની લાકડી તૂટી આજ                     
                    સરવણ વિના કેમ રે જિવાય?

આંધળા માબાપે સાંભળી વાત                     
                         દશરથ રાજાને દીધો શાપ

અમારો આજે જીવડો જાય                         
                         તેવું તમ થજો દશરથ રાય

દશરથ રાજા ઘણાં પસ્તાય                         
                      અંતે રામ વિયોગે જીવડો જાય

ક્લીક કરો અને સાંભળો
દીના ગાંધર્વ અને હેમુ ગઢવીના
કંઠે ગવાયેલું આ લોકગીતઃ
 
[પાછળ]     [ટોચ]