[પાછળ]
હે આવોને જેસલરાય
 
તો જેસલજી જાજો સરગમાં ને વળી હૈયે રાખજો હામ
આ શરધાપુરની શેરીએ હું ભાતની બનીશ ભતરાળ

જેસલ કરી લે ને વિચાર માથે  જમ  કેરો  માર
આ સપના જેવો આ સંસાર તોળી રાણી કરે છે પોકાર

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુની ધાર
જાવું સૌને ધણીને દુવાર  બેડલી ઉતારે ભવ પાર

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

ચાંદ સૂરજ વસે છે આકાશ નવ લાખ તારા એની પાસ
પવન પાણી ને પરકાશ સૌ લોક કરે એની આશ

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

ગુરુના ગુણનો નહીં પાર, ભગતિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે સંસાર, એનો એળે ગયો અવતાર

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

છીપું  સમંદરમાં  થાય  વાંકી  ધન  રે  કમાઈ
સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો સાચા મોતીડાં થાય

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

ઈ મોતીડાં એરણમાં ઓરાય માથે  ઘણ  કેરા  ઘા
ફુટે ઈ ફટકીયાં કે'વાય સાચાંની ખળે ખબરૂં થાય

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

નિત  નિત  નદીએ નાવા  જાય
કોયલાં   ઊજળાં  નવ   થાય
ગુણિકાનો બેટો બાપ કોને કેવા જાય
માવઠાના મે’થી મોતી કણ ન થાય

હે આવોને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ રે

એ  દેખાદેખી  કરવાને  જાય
એવાં  નર  અધૂરિયાં  કહેવાય
દીવો લઈને કૂવે પડવાને જાય
કળીયુગની વાણી તોળીરાણી ગાય

હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે

મનની શાંતિ હોય ત્યારે નિરાંતે આ લોકગીત સાંભળજો.
એ ૧૦.૪૯ મિનિટ લાંબુ છે પણ જયશ્રીબેન ભોજવિયાએ
એવા ભાવથી ગાયું છે કે લાગશે કે સાંભળ્યા જ કરીએ.

 
[પાછળ]     [ટોચ]