નણદલ માગે લહેરિયું
મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ!
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ!
શું રે કરું તારા ડાબલાં રે બાઈ!
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
શું રે કરું તારાં બેડલાં રે બાઈ!
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
શું રે કરું તારા ઘોડલાં રે બાઈ!
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!
સામી વળગણિયે લહેરિયું રે બાઈ,
નણદી! લઈને અદીઠડાં થાવ હો રે બાઈ!
નણદલ માગે લહેરિયું રે બાઈ!
ક્લીક કરો અને સાંભળો
૧૯૭૮ના ચિત્રપટ ‘મોટા ઘરની વહુ’ માટે
ઉષા મંગેશકર અને હર્ષિદા રાવળના સ્વરમાં
અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલું આ સુંદર લોકગીતઃ
[આ સુંદર લોકગીત પૂરું પાડવા બદલ સાવરકુંડલાના
પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.]
|