[પાછળ] 
મને એક વાર જેતપર લઈ જા

મને એક વાર જેતપર  લઈ જા રે,                                
મારે જેતપર ગામની રે.. હો જી રે, લાલચટક ચૂંદડી વહોરવી સે.

મને એકલો તું મનગમતો થઈ જા રે                              
મારે જેતપર ગામની રે.. હો જી રે, લાલચટક ચૂંદડી વહોરવી સે.

ચૂંદડી ઓઢીને મારે ચૌટા વચ્ચે ચાલવું,                           
હાથના રૂમાલને ફંગોળી મહાલવું,                                
હો છલિયા! હો રસિયા!                                          
મારે જેતપર ગામની રે,      પૂનમને ચૂંદડીના રંગમાં ચોરવી સે.
મારે લાલચટક ચૂંદડી વહોરવી સે.                               

વાંકલડો રે એવો રે હાલતો,  ઓઢેલી ઓઢણીનો છેડો રે ઝાલતો,
નેણલાં નચાવીને મનડામાં મ્હાલતો,                              
અણીયાળી આંખથી દલડું દઝાડતો,                              
હો છલિયા! હો રસિયા!                                          
મારે જેતપર ગામની રે,      ઢેલડીને ચૂંદડીની કોરમાં કોરવી સે.
મારે લાલચટક ચૂંદડી વહોરવી સે.                               

ચૂંદડીના રંગમાં ઘેરું ગગન છે,                                   
ચૂંદડીના રંગમાં આખું મલક મગન છે,                           
હો છલિયા! હો રસિયા!                                          
મારે જેતપર ગામની રે,     કોયલને ચૂંદડીની કોરમાં કોરવી સે.
લાલચટક ચૂંદડી વહોરવી સે.                                    

હે... મારી ચૂંદડીનો રંગ એવો રંગધાર,                          
કે ધરાર છેલો મારો ઘેલો થઈ પૂંઠે ભમે,                         
મને લાગ્યા ન લાગ્યા રે તીરછી નજર્યુંના માર,                  
વાગી કાળજે કટાર, ઝૂકી નેણલાં નમે.                           
મારે જેતપર ગામની રે,           લાલચટક ચૂંદડી વહોરવી સે.

ક્લીક કરો અને સાંભળોઃ


સુલોચના વ્યાસે ખૂબ સરસ રીતે ગાયેલું અને હવે
લગભગ ભૂલાઈ ગયેલું આ લોકપ્રિય ગીત શોધીને પૂરું પાડવા બદલ
સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો આભાર!
 [પાછળ]       [ટોચ]