[પાછળ]
મોતીના વાવેતર

જળ રે જમનાનાં ઝીલતાં જી રે શામળિયા
મને મોતીડું લાગ્યું હાથ નંદજીના નાનડિયા

ગાડે ભરીને મોતી આણિયું જી રે શામળિયા
માતા, પાડો મોતીડાંના ભાગ નંદજીના નાનડિયા

એક મોતીમાં શું વેં’ચીએ જી રે શામળિયા 
મોતી વાવ્યાં ઘણેરાં થાય નંદજીના નાનડિયા

જમનાને કાંઠે ક્યારો રોપિયો જી રે શામળિયા
માંહી વાવ્યો મોતીડાંનો છોડ નંદજીના નાનડિયા

એક મોતીને બબ્બે પાંદડા જી રે શામળિયા 
મોતી ફાલ્યાં છે લચકાલોળ નંદજીના નાનડિયા

એક ડાળ્ય ને બીજી ડાળખી જી રે શામળિયા
વચલી ડાળે મોતીડાંની લૂંબ નંદજીના નાનડિયા

થાળ ભરીને મોતી વેડિયાં જી રે શામળિયા 
માતા, પાડો મોતીડાંના ભાગ નંદજીના નાનડિયા

કોઈને ચપટી ચાંગળું જી રે શામળિયા
રાણી રાધાને નવસેરો હાર નંદજીના નાનડિયા

ક્લીક કરો અને સાંભળો ઉષા ચિનોયના
સ્વરમાં  રેકોર્ડ  થયેલું   આ  લોકગીતઃ

[આ સુંદર રેકોર્ડિંગ મોકલવા માટે સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.]

[પાછળ]     [ટોચ]