[પાછળ]
મારી શેરીએથી કાનકુંવર
 
મારી  શેરીએથી  કાનકુંવર આવતાં રે લોલ                   
મુખેથી     મોરલી    બજાવતા   રે   લોલ                  
હું   તો  ઝબકીને  જોવા  નીસરી  રે  લોલ                  
ઓઢ્યાનાં   અંબર    વીસરી    રે    લોલ                  

                    હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
                    ઈંઢોણી   ને   પાટલી   વીસરી    રે  લોલ
                    સાગ  રે  સીસમની  મારી  વેલડી  રે લોલ
                    નવલે   સુથારે   ઘડી   પીંજણી   રે  લોલ

મેં  તો ધોળો ને ધમળો  બે જોડિયા રે લોલ                   
જઈને   અમરાપરમાં    છોડિયા   રે  લોલ                   
અમરાપરના તે ચોકમાં  દીવા બળે  રે લોલ                   
મેં તો  માન્યું  કે  હરિ  આંહીં  વસે રે લોલ                   

                    મેં તો દૂધ ને સાકરનો  શીરો  કર્યો રે લોલ
                    તાંબાળુ   ત્રાંસમાં   ટાઢો   કર્યો   રે  લોલ
                    હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ
                    કંઠેથી     કોળીયો   ન   ઊતર્યો   રે  લોલ

મને  કોઈ  રે  દેખાડો  દીનાનાથને રે  લોલ                   
કોળીયો  ભરાવું  જમણા  હાથનો  રે  લોલ                   
હું  તો ગોંદરે  તે ગાવડી  છોડતી  રે  લોલ                   
ચારેય    દશ્યે   નજર    ફેરતી   રે  લોલ                   

                    એક  છેટેથી   છેલવરને   દેખિયા  રે  લોલ
                    હરિને   દેખીને   ઘૂંઘટ  ખોલિયા   રે  લોલ
                    મારી  ઘેલી સાસુ ને  ઘેલા સાસરા રે  લોલ
                    ગાયું   વરાંહે    દોયાં  વાછરાં    રે   લોલ

મને   ધાનડિયાં   નથી   ભાવતાં  રે  લોલ                    
મોતડિયાં     નથી      આવતાં   રે   લોલ                    
મને  હીંચકતાં  નવ  તૂટ્યો  હીંચકો રે લોલ                    
નાનાંથી   કાં   ન   પાયાં  વખડાં  રે  લોલ                    

                    મારી   માતા  તે  મૂરખ   માવડી  રે  લોલ
                    ઉઝેરીને   શીદ   કરી   આવડી   રે  લોલ
                    મારી  શેરીએથી  કાનકુંવર આવતાં રે લોલ
                    મુખેથી     મોરલી    બજાવતા   રે   લોલ

ક્લીક કરો અને સાંભળો ૧૯૭૭ના ચિત્રપટ ‘માબાપ’ માટે
અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલું અને હર્ષિદા રાવળે ગાયેલું આ લોકગીતઃ

[પાછળ]     [ટોચ]