સૂરજની આંખમાં આંસુ ઊગ્યું
સૂરજની આંખમાં આંસુ ઊગ્યું
એને ખરતા અંધારાનો ભાર
સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું
પછી છાનુંમાનું રોયું ચોધાર
રેલાતાં તડકાના મોજામાં તરફડતી
કોની આ કોરી શી લાગણી?
અજવાળી, અશ્રુનાં પગલામાં ટળવળતી,
સૂરજની ભીની શી માંગણી!
સંધ્યાની ફોરમમાં ના'તા પડછાયામાં
સૂરજનો નીતરતો ભાર
સૂરજની આંખમાં આંસુ ઊગ્યું...
આકાશી ચોકમાં તારલાઓ ટોળે મળ્યાં
ચર્ચાતી વેદનાની વાત
ચમકંતા ચાંદલાની શીતળ ઝળહળમાં પેલા
સૂરજની ખડકાતી યાદ
પીગળેલું અંધારું આંસુ બનીને પૂછે
સૂરજને કેટલી છે વાર?
સૂરજની આંખમાં આંસુ ઊગ્યું
એને ખરતા અંધારાનો ભાર
સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું
પછી છાનુંમાનું રોયું ચોધાર
સ્વરઃ કમલ બારોટ
ગીતઃ ગૌરાંગ દિવેટીયા
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ક્લીક કરો અને સાંભળોઃ
આ દુર્લભ ઓડિયો ક્લીપ મેળવી આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.
|