[પાછળ]
તારું તે નામ લઈ હૈયું આ રાતદિન

તારું તે  નામ લઈ   હૈયું  આ રાતદિન   મીઠેરી  વાંસળીને  વાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં  વળી  એવું શું થાય મને આજ
કે હોઠ નહિ ઉઘડે ને પાય નહિ ઉપડે ને મુખડે છવાઈ જાય લાજ

છાનેરી   વાતને   ચોરીછૂપીથી   રખે  વાયરોયે  સાંભળી   જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં   નીચા આ નેણ ઢળી જાય

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહિ શમણાંઓ શ્યામલ અંજાય
ચંચલ  સુગંધને  કૂણી  આ  પાંખડીમાં  કેમ  કરી  ઢાંકી  ઢંકાય?

પંખાળી  ફોરમને ઝાલી ઝલાય નહિ કોણ જાણે ક્યાંય ભળી જાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

રચનાઃ સુરેશ દલાલ    સ્વરઃ તૃપ્તિ છાયા

ક્લીક કરો અને સાંભળોઃ

આકાશવાણી, મુંબઈની આ સુંદર રજૂઆતનું એટલું જ સરસ રેકોર્ડિંગ પૂરું પાડવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]