[પાછળ]
અમે અમદાવાદી, અમે અમદાવાદી
 
                અમે   અમદાવાદી,   અમે  અમદાવાદી! 
               જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી
                                         અમે અમદાવાદી!

અમદાવાદના    જીવનનો    સુણજો   ઈતિહાસ  ટચૂકડો
જ્યાં  પહેલાં  બોલે   મિલનું  ભૂંગળું, પછી  પુકારે કૂકડો
સાઈકલ   લઈને   સૌ   દોડે   રળવા    રોટીનો   ટુકડો
પણ મિલના-મંદિરના ‘નગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂંકડો?
મિલ મજદૂરની  મજદૂરી   પર   શહેર  તણી   આબાદી
                                         અમે અમદાવાદી!

ઊડે    હવામાં     ધોતિયું    ને     પ્હેરી   ટોપી  ખાદી
ઊઠી   સવારે    ગરમ    ફાફડા,  ગરમ  જલેબી  ખાધી
આમ   જુઓ   તો   સુકલકડી   ને  સૂરત  લાગે  માંદી
પણ   મન   ધારે  તો   ચીનાઓની   ઉથલાવી  દે ગાદી
દાદાગીરી કરે  બધે  છોકરાં, પણ  છોકરીઓ જ્યાં દાદી
                                         અમે અમદાવાદી!

                       પોળની અંદર પોળ, ગલીમાં ગલી
ગલી પાછી જાય શેરીમાં ઢળી                           
                            શેરી પાછી જાય પોળમાં વળી
વળી   પાછી  ખડકીને  અડકીને  ખડકી  ચલી         
           મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી
વાંકી ચૂંકી  ગલી ગલીમાં  વળી  વળીને  ભલી          
          માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં મળી
                                         અમે અમદાવાદી!
                અમે   અમદાવાદી,    અમે  અમદાવાદી!

સ્વર: મહેન્દ્ર કપૂર અને સાથીદારો
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સમય વર્તે સાવધાન (૧૯૬૭)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]