[પાછળ]
કેડો મારો છોડ

કેડો મારો છોડ...
મારે જમનાને આરે તારી હારે રાસ નથી રમવું
અણગમતું જે મારા મનને  તે મારે નથી કરવું
કેડો મારો છોડ...

જળ જમનાનું  કાઢી બહાનું  આવું તારે  ધામ
હૈયે  ને હોઠે,  ભૂલું,  તોયે એક જ તારું નામ
લાજી  મરું  હું  વાત્યું કરે આખું  ગોકુળ ગામ
ક્યાંથી રમું  હું સંગે તારી હૈયે નથી હવે હામ

ઘરના કામને રેઢાં મેલી તારી પૂંઠે  નથી ભમવું
કેડો મારો છોડ...

ગોપીઓ ભેળી કરી મધુવનમાં ગાવલડી તું ચારે છે
એક જ ગામમાં પડખે પડખે રહેવું તારે ને મારે રે
કાના તારી જાત ઠગારી  ગાગર ફોડે શીદ તું મારી
એકલ મારગ એકલ ભાળી સંતાઈ જતો કાંકરી મારી

કાના તારી આવી કનડગતને  મારે નથી  નમવું
કેડો મારો છોડ...

સ્વરઃ કમલ બારોટ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ (ઓડિયો સૌજન્યઃ પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા)
[પાછળ]     [ટોચ]