[પાછળ]
મા, તું પાવાની પટરાણી

મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ

મા તારે ડુંગરડે ચઢવું તે અતિ ઘણું દોહ્યલું રે લોલ
મા તારી પ્રદક્ષિણા કરવી તે અતિ દોહ્યલી રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*

વિશ્વાસે તપ કરવા બેઠાં કે કેવળ મુનિ થયા રે લોલ
આવું રૂડું ચૌટું ચાંપાનેર કે ચૌટા ચૌદ મળ્યાં રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*

ત્યાં કોઈ ગાતાં’તાં ગરબા કે માજી આવિયા રે લોલ
રાયે છેડલો સાહ્યો હાથ કે માજી પ્રસન્ન થયાં રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*
માગ્ય માગ્ય ઘોડાની ઘોડાર કે હાથી ઝૂલતાં રે લોલ
માગ્ય માગ્ય કુટુંબ કુશળક્ષેમ કે           
             જંજાળ અતિ ઘણી રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*

માગ્ય માગ્ય ગુજરાત સરખી ગાદી કે        
                 ભદ્ર બેસણાં રે લોલ
માગ્ય માગ્ય નવે ખંડના રાજ કે           
               ચાંદો સૂરજ તપે રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*

માંગુ માંગુ એટલું વરદાન કે             
             મારે મહેલે પધારો રે લોલ
ફટ ફટ, પાવાના રાજન કે              
                એ શું માંગિયું રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
*

આથી છઠ્ઠે ને છ માસે કે મૂળ તારું જાશે રે લોલ
એમ કહી માતા થયા અલોપ કે           
               પાવે હાથ ઘસ્યા રે લોલ
મા, તું પાવાની પટરાણી, ભવાની મા, કાળકા રે લોલ
(આલ્બમઃ ‘ગરબાવલી’ - ૧૯૯૬)

પ્રાચીન લોકગીત
સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]