[પાછળ]
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી


ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? એવો રે વરસાદ ક્યાંથી લાવવો? કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું મેઘને તે કેમ કરી આંજવો? એવો રે વરસાદ ક્યાંથી લાવવો? હીંચકાની સાંકળમાં નેવાં છલે ને મોર તોરણ આ ટહુકે આકાશને ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ કોરા આ તોરલ બોલાશને? સૂનાં તે ઓરડામાં કેમ કરી મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો? ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? એવો રે વરસાદ ક્યાંથી લાવવો? ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને છોગાળો એવો મુને આંતરે કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ ઘરમાં આવીને ગીત છેડજે! કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી એમાં માટીનો તોર ક્યાંથી લાવવો? ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? એવો રે વરસાદ ક્યાંથી લાવવો?


સ્વરઃ વિભા દેસાઈ ગીતઃ ભગવતીકુમાર શર્મા ક્લીક કરો અને સાંભળોઃ

આ સુંદર ઓડિયો ક્લીપ ઉપલબ્ધ કરાવવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]