[પાછળ]
હસતાં હસતાં, હસતાં હસતાં

હસતાં હસતાં ખેલીએ જીવનના સંગ્રામ
હસતાં હસતાં, હસતાં હસતાં

રમતાં રમતાં, રાખીએ હાર્યાં તોયે હામ
રમતાં રમતાં, રમતાં રમતાં

કડવાં ઘૂંટ હંમેશા ગળવાં, કડવાં બોલ સદા સાંભળવાં,
અગર આવડે તો અવસર પર દઈએ ટાઢાં ડામ
હસતાં હસતાં, હસતાં હસતાં

દુઃખડાં શા દીધાં અબળાને, કરુણા શી કીધી ભગવાને,
માટે તો સમરે છે સૃષ્ટિ સતીઓનાં શુભ નામ
હસતાં હસતાં, હસતાં હસતાં

એવાં ઊંડાં શીદ ઉતરીએ? મુસીબતને શીદને નોતરીએ?
મુસીબતોમાં મજા માણવી  જીવન એનું નામ
હસતાં હસતાં, હસતાં હસતાં

હસતાં હસતાં ખેલીએ જીવનના સંગ્રામ
હસતાં હસતાં, હસતાં હસતાં

મૂળ ગાયિકાઃ મોતીબાઈ અને વિજયા
ગીતઃ શ્રી પ્રભુલાલ દ્વિવેદી
સ્વરાંકનઃ માસ્ટર મોહન જૂનિયર
નાટકઃ શંભુમેળો (૧૯૪૭)

ક્લીક કરો ને સાંભળો આ ગીતની પુનઃ રજૂઆત
માહેશ્વરી અને મેઘના રેલેના કંઠેઃ

જૂના નાટ્યગીતોના સોનેરી સંભારણા જીવંત રાખવાની પ્રવૃત્તિ માટે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો ગણાય. આ વેબપેજના પૃષ્ઠભાગમાં મુંબઈના એક વખતના વિખ્યાત પણ હવે વિલિન થઈ ગયેલા ભાંગવાડી થિએટરનો બહારનો ભાગ નજરે પડે છે. દેશી નાટક સમાજના બધાં નાટકો અહીં રજૂ થયા હતાં.

[પાછળ]     [ટોચ]