[પાછળ]
તું  મીરા થઈને  ઝેર પીએ
તું  મીરા થઈને  ઝેર પીએ,  હું કેમ  કરીને  શ્યામ બનું?
તું  સિંદૂર  મારી  સેંથીનું,  હું  તારા  સુખનું  ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ                                

તેં  કથીરને  કંચન કરવા  એક  પારસ  જેવી  પ્રીત કરી
મેં પ્રીતની રીત અમર કરવા એક ઉરની આડે ભીંત ધરી
તેં પ્રીત કરી તો ત્યાગ કર્યો,  હું ક્યાંથી રાઘવ રામ બનું?
તું મીરા થઈને ઝેર પીએ                                

તું  તરસ  છીપાવે  આંસુથી  ને બળે  સદાય  જ્વાળામાં
હું  મારી  મમતાનું  મોતીડું  ગૂંથી  શકી  તુજ  માળામાં
શ્રદ્ધાથી તું  શીશ ઝૂકાવે એવો  ક્યાંથી શાલિગ્રામ બનું?
તું મીરા થઈને ઝેર પીએ                                

તું  મીરા થઈને  ઝેર પીએ,  હું કેમ  કરીને  શ્યામ બનું?
તું  સિંદૂર  મારી  સેંથીનું,  હું  તારા  સુખનું  ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ                                

સ્વરઃ મન્ના ડે અને આશા ભોસલે
ગીતઃ કાંતિ-અશોક
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ચિત્રપટઃ મા અંબા ગબ્બરવાળી (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ

આજે સ્મૃતિશેષ થઈ ગયેલા આ વિરલ ચિત્રપટ ગીતને ફરી ઉપલબ્ધ બનાવવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]