ચોર, ચોર, ચોર જ્યાં જ્યાં જુઓ દુનિયામાં, છે ચોરી ચારે કોર કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ કોઈના ચિત્તનો ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર મહિડાં ચોર્યાં, માખણ ચોર્યાં, ચોર્યાં ચિત્ત ચકોર ગોપીજનનાં વસ્ત્રો ચોર્યાં, કૃષ્ણ કનૈયો ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર કૃષ્ણ-સુદામા વિદ્યા ભણતા- થતાં ભૂખનું જોર ભૂખના દુઃખે ચણા ચોરતા, થયા સુદામા ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ઘુંઘટ પટમાં છુપાયેલાં બે ચક્ષુ થાય ચકોર પ્રિયદર્શન કરવાને કાજે બને ચતુરા ચોર જ્યાં જ્યાં જુઓ દુનિયામાં, છે ચોરી ચારે કોર કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ કોઈના ચિત્તનો ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર કોઈ ઉપરથી, કોઈ ભીતરથી, કોઈ છે દંભીના દોર કોઈ શક્તિના, કોઈ બુદ્ધિના, કોઈ યુક્તિના છે ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર સુંદર વસ્તુ હરે પારકી, ઓપ ચઢાવે ઓર વિચાર ચોરીને વખણાતા, એ કવિ-ચિતારા ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર કરમાં માળા લઈને બેસે, મનની માયા ઓર બગલા જેવા સંત-મહંત ને ભક્તો મોટા ચોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર સ્વરઃ ચીમનલાલ મારવાડી અને સાથીદારો રચનાઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી નાટકઃ સાંભરરાજ(૧૯૩૨) ક્લીક કરો અને સાંભળોઃ (આ અને આવાં અનેક જૂનાં નાટ્યગીતો ગીતો સાચવી રાખીને ફરી ઉપલબ્ધ કરાવનારા શ્રી વિનયકાન્તભાઈ પ્રભુલાલ દ્વિવેદીનો ખૂબ ખૂબ આભાર. આ વેબપૃષ્ઠની પશ્ચાદભૂમાં દેખાતી જાણીતી અભિનેત્રીને ઓળખો છો? એ ગુજરાતી તખ્તા અને પરદા પર પોતાના અભિનયના અજવાળા પાથરી ગયેલી અંબિકા જગતાપ ઉર્ફે દુલારી છે. ઉત્તર પ્રદેશની આ કાન્યકુબ્જ બ્રાહ્મણ કન્યાના લગ્ન મરાઠી માણુસ સાથે થયા હતા પણ લોકપ્રિયતા ગુજરાતી તખ્તાએ આપી હતી.)
|