‘ગજ થકી ઉતરો’ -એક જૈન ગાથા ઘોર ભયંકર વનવગડામાં બાહુબળી ધરે ધ્યાન અંતરમાં અભિમાન ભર્યું ને માગે કેવળજ્ઞાન રાજપાટનો ત્યાગ કીધો ને તજી દીધો પરિવાર એક જ ક્ષણમાં સાધુ થયા ને છોડ્યો આ સંસાર બધું ત્યજ્યું પણ ના ભૂલાયું માન અને અપમાન અંતરમાં અભિમાન ભર્યું ને માગે કેવળજ્ઞાન સંદેશો લઈ ઋષભદેવનો બ્રાહ્મી, સુંદરી આવે વડીલ બાંધવ બાહુબળીને બે બહેનો સમજાવે ‘ગજ થકી ઉતરો’ એવું કહીને થઈ ગઈ અંતર્ધ્યાન અંતરમાં અભિમાન ભર્યું ને માગે કેવળજ્ઞાન આંખ ઉઘાડી જોયું ત્યારે આવ્યાં કૈંક વિચાર અભિમાનરૂપ ગજ પર બેઠો એ સમજાયો સાર સાચું જ્ઞાન થયું ક્ષણભરમાં દૂર થયું અજ્ઞાન અંતરમાં અભિમાન ભર્યું ને માગે કેવળજ્ઞાન પશ્ચાતાપ થયો અંતરમાં સત્ય વાત સમજાઈ દૂર જોઈને બાહુબળીની આંખડીઓ ભીંજાઈ લાલપીળા સંદેશાથી તો મુનિને આવી સાન અંતરમાં અભિમાન ભર્યું ને માગે કેવળજ્ઞાન જાઉં પૂજ્ય પ્રભુની પાસે એવો નિર્ણય થાય નાના તો યે મુજથી મોટા સૌને લાગું પાય એક જ ડગલું ભર્યું કે ત્યાં તો ઉપજ્યું કેવળજ્ઞાન અંતરથી અભિમાન ગયું ને પામ્યાં આતમજ્ઞાન અંતરથી અભિમાન ગયું ને પામ્યાં કેવળ જ્ઞાન શબ્દ, સ્વર અને સંગીતઃ શ્રી શાંતિલાલ શાહ ક્લીક કરો અને સાંભળોઃ અમેરિકા નિવાસી એક બિનગુજરાતી સંગીત-સંગ્રાહક સ્વ. અમરજિતસિંહ આનંદ પાસે સચવાયેલું આ ગીત તેમના સંગીતપ્રેમી મિત્ર શ્રી સુરજિતસિંહ દ્વારા હવે ફરીથી ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.
|