રાતું નીરખું ફૂલ રતુમ્બલ
રાતું નીરખું ફૂલ રતુમ્બલ
તરુવર કેરી ડાળ
મને સાંભરે મારું બાળ!
રૂપ નીતરતો...
રૂપ નીતરતો ચાંદલિયો ઊગ્યો
સરવર કેરી પાળ
મને સાંભરે મારું બાળ!
કોણ એને ઉની હૂંફે સુવાડે....
ભૂખ્યાંને દૂધડાં પા'શે?
નાનકડાં એના નેન-કટોરે
નિંદર કેમ ભરાશે?
એની પાપા પગલી ચાલ
મને સાંભરે મારું બાળ!
બોલીમાં બોલનું તોલ ન તોયે
મા... મા.... કહી બોલાવે
નાનકડી એની આંગળીએ
મારું રોતું મુખ હસાવે
એના ફૂલગુલાબી ગાલ
મને સાંભરે મારું બાળ!
સ્વરઃ આશા ભોસલે
ગીતઃ પ્રહ્લાદ પારેખ
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ લગ્નમંડપ (૧૯૫૦)
ક્લીક કરો અને સાંભળોઃ
[આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરીશભાઈના સંશોધન પ્રમાણે આ ગીત આશા ભોસલેનું ગાયેલું પ્રથમ ગુજરાતી ફિલ્મ ગીત છે.]
|