[પાછળ]
હું તો લખતી ને

હું તો લખતી ને કોરો રહે કાગળ

હું તો લખતી ને કોરો રહે કાગળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!

અહીંના આકાશ મહીં ત્યાંનાં કોઈ વાદળાં
રે, આવી આવીને જાય વરસી;
હરિયાળી આમ ભલે ખીલી ને તોય મને
લાગે કે આજ ધરા તરસી.

એકેએક ઘૂંટે ઘૂંટાયો દાવાનળ;
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!

પંથ મારો ચાલે ને તોય મને લાગે
કે અહીંયાં કોઈ પંથ નથી કયાંય;
અહીંનો સૂનકાર બધો આવે સમેટવા
એવો કયાં ટ્હૌકો રેલાય?

મૌનમાં ગળતો રહે છે હિમાચળ
કે પંથ મારો આગળ જતો ને હું રહું પાછળ!

સ્વરઃ અલકા યાજ્ઞિક
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]