[પાછળ]
વરસાદના નામે લખીએ હૂંડી

કોણ વરસાદનું કદ જુએ છે?  કોણ છાંટાના  નિરખે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત? કોણ  જાણે  છે ઝીણા મૂંઝારા?

આ તે ચોમાસું છે કે જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ  દાંડીની પેઠે : થઈ જતા  સર્વ  માણસ નગારાં!

એક   વરસાદના  અર્થ   થાતાં   છાપરે  છાપરે  સાવ  નોખા,
ક્યાંક  કહેવાય  એને અડપલાં  ક્યાંક  કહેવાય એને  તિખારા.

હોત  એવી  ખબર કે  છે  આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી,   આવે  વાછટ તલવાર લઈને,
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ  પાડ્યા  કરે  છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મે’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના  નામે  લખીએ  આમ  હૂંડી, ને કરીએ ગુજારા

સ્વરઃ ઓસમાણ મીર
ગીતઃ રમેશ પારેખ
સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી
(આલ્બમઃ સંગત)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]