[પાછળ]
ગભરુ આંખોમાં કાજળ થઈ

ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે

વેચાઈ જવા કરતાંય  વધુ  વહેંચાઈ જવામાં લિજ્જત છે
ફુલ  મહીં  ખૂશ્બૂ  પેઠે  ખોવાઈ  જવામાં લિજ્જત છે

પરવાના પોઢી  જાયે છે  ચિર  મૌનની  ચાદર ઓઢીને
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે

દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવુ શું?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહિ જ સમજી શકે
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે

સારા-નરસાનું ભાન નથી પણ એટલું  જાણું છું ‘ઘાયલ’
જે આવે ગળામાં  ઉલટથી  એ ગાઈ જવામાં લિજ્જત છે

સ્વરઃ મનહર ઉધાસ
ગઝલઃ અમૃત ‘ઘાયલ’

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]