પણ મોરલા બોલ્યા નહીં દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યાં, પણ મોરલાં બોલ્યા નહીં. અને વર્ષાએ વીંઝણા વીંઝોળ્યાં, પણ મોરલા બોલ્યા નહીં. ડુંગરાની કોરે, ઊગતા રે પહોરે, વગડો વીંધીને ફૂલ ફોર્યાં, પણ મોરલા બોલ્યા નહીં. કેમ રે કલાપી તારું વિલાપી મન પરખાય રે? કેમ રે કલાપી તારો ટહુકો મધુર ના સુણાય રે? કોઈ વ્હાલેરાએ હૈયાં ઢંઢોળ્યાં; પણ મોરલા બોલ્યા નહીં. નેહભર્યા નીરથી ધરતી ભીંજવતો મેહુલિયો આવતો નથી, રુધિરના તરસ્યા પર સીંચન સમીરશો વાયરો વાતો નથી, એમ આંખડીએ આંસુડા સાર્યાં; પણ મોરલા બોલ્યા નહીં. સ્વરઃ વસુમતિ વ્યાસ અને સાથીદારો ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો ને સાંભળોઃ [પત્રકાર નંદિની ત્રિવેદીના જણાવવા મુજબ આ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં થયેલું પ્રથમ રેકોર્ડિંગ છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને એક વાર દિલીપ ધોળકિયા ગુજરાતી ચિત્રપટ ‘શામળશાનો વિવાહ’ના રેકોર્ડિંગ માટે એચએમવી સ્ટુડિયો પર લઈ ગયા અને ત્યાં એમનો પરિચય થયો સુગમ સંગીતના મહાસમ્રાટ અવિનાશ વ્યાસ જોડે. એમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. અવિનાશભાઈએ પૂછ્યું, ‘આમાં તારે એક લાઈન ગાવાની છે ગાઈ શકશે?’ નાનકડા પુરુષોત્તમે ડોકું ધૂણાવીને હા પાડી. એ ગીત હતું, ‘દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યા પણ મોરલા બોલ્યા નહીં.’ કોરસ તરીકે રેકોર્ડ થનારા આખા ગીતમાં એમણે માત્ર આ જ પંક્તિ દોહરાવવાની હતી, ‘મોરલા બોલ્યા નહીં.’ એ જમાનામાં નાગરાણીઓ ટિપિકલ લહેકાથી ગાતી. એની વચ્ચે પુરુષોત્તમભાઈ તેમના કૂમળા અવાજમાં ટહુકો કરતા, ‘....પણ મોરલા બોલ્યા નહીં!’ ત્યારથી શરૂ થયેલો ટહુકો આજ દિવસ સુધી અકબંધ છે.]
|