[પાછળ]
મારા નેણમાં સમાવ્યા નંદલાલને

મારા નેણમાં સમાવ્યા નંદલાલને                  
રે મારી મટુકીમાં જમુનાનાં નીર                  
                  હું તો કોને ઢોળું ને કોને સંઘરું?
મારી મટુકીમાં  જમુનાનાં નીર                    

મારાં પગલાં મંડાયા ગામની દિશે રે               
હૈયું  તલખે  વૃંદાવનની કુંજે                       
           હું તો કઈ દિશ છાંડુ ને ક્યહી સંચરું?
મારી મટુકીમાં  જમુનાનાં નીર                    

ઘરે મોડી પડું તો માડી ખોળશે રે                 
મને વીંધે છે  મોરલીના સૂર                      
                 હું તો કોને ભૂલું ને કોને સાંભરું?
મારી મટુકીમાં  જમુનાનાં નીર                   

મારા હોઠે નનૈયો લોકલાજનો                    
રે મારું હૈયું ઓ સાંવરા અધીર                  
                    હું તો શું રે છુપાવું ને શું કહું?
મારી મટુકીમાં  જમુનાનાં નીર                  

સ્વરઃ સુમન કલ્યાણપુર
ગીતઃ હરીન્દ્ર દવે
સંગીતઃ અજિત મર્ચંટ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]