[પાછળ]
તેં તો રાત આખી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને   સૂતીને    સપને    જગાડ્યા કરી

બાંવરી આ આંખ મારી આમ તેમ ઘૂમે           
                        ને ઝાંઝરથી લજ્જા વેરાય
એકલીના મહેલમાં ઓશિકે જોઈ લ્યોને          
                          મધુવનમાં વાયુ લહેરાય

હું  તો  બાહુના  બંધમાં   બંધાયા  કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી         
                       યમુનાના વહેણ માંહી દોડે
જાગીને જોઉં તો જાણું નહીં કે                  
                      કેમ મોરપીંછ મ્હેકે અંબોડે

મને   અનહદના  રંગમાં  ડૂબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

સ્વરઃ હંસા દવે
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળો પ્રથમ રજૂઆતઃ

[પાછળ]     [ટોચ]