અમે નિસરણી બનીને ઊભા રે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે ચડનારા કોઈ નો મળ્યા હો.. જી અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધાં રે તપસ્યાના ફળ નો મળ્યાં હો.. જી માથડાં કપાવ્યા, અમે ઘંટીએ દળાણાં રે ચૂલે ચડ્યા ને પછી પીરસાણાં રે જમનારા કોઈ નો મળ્યાં હો.. જી નામ બદલાવ્યા અમે પથિકોને કાજે કેડી બનીને જુગ જુગ સૂતાં રે ચાલનારા કોઈ નો મળ્યાં હો.. જી કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા રે કાયા રે સળગાવી જોને ખાક કીધી રે ચોળનારા કોઈ નો મળ્યાં હો.. જી પગે બાંધ્યા ઘૂઘરાં ને માથે ઓઢી ઓઢણી ઘાઘરી પહેરીને પડમાં ઘૂમ્યાં રે જોનારા કોઈ નો મળ્યાં હો.. જી સ્વયંવર કીધો, આવ્યા પુરુષો રૂપાળાં, કરમાં લીધી છે રૂડી વરમાળા રે મૂછાળા કોઈ નો મળ્યાં હો.. જી ‘કાગ’ બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે અમે હેમાળેથી દેયું પડતી મેલી રે ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે ચડનારા કોઈ નો મળ્યાં હો.. જી સ્વરઃ પ્રફુલ્લ દવે ગીતઃ દુલા ભાયા ‘કાગ’ ચિત્રપટઃ સાચું સગપણ (૧૯૮૦) ક્લીક કરો અને સાંભળોઃ
|