[પાછળ]
કોને પગલે પગલે

કોને  પગલે  પગલે  ચાલી  જાય  છે વણઝાર
કોના  સાદે  શહીદ  થાવા  આવે  નર ને નાર

દશ-પંદર નહિ, સો-હજાર નહિ,               
                      ને લાખ-લાખ પણ  નહિ
કોટિ  કોટિ  માનવ  કેરો  ચાલે   છે  પરિવાર
હિન્દુ મુસ્લીમ  શીખ પારસી  સહુયે હારોહાર
કોના અદ્ભુત  જાદુથી  આ જાગે  છે  સંસાર
કોના  સાદે  શહીદ  થાવા  આવે  નર ને નાર

કોની   ફૂંકે  અંગે  અંગે   વ્યાપે   છે  અંગાર
કોની   હાંકે   ગાજી   ઊઠે   આઝાદી  હૂંકાર
કોને  પગલે  પગલે  ચાલી  જાય  છે વણઝાર
કોના  સાદે  શહીદ  થાવા  આવે  નર ને નાર

તું  થઈને મહાવીરસ્વામી સમ ઈશ્વરનો અવતાર
તારા  મુખની  વાણી  જાણે  વહેતી  અમૃતધાર
સૂકલકડી  છે  કાયા જેની...
અદ્ભુત વ્યાપે માયા જેની...
ચાલીશ  કોટિ  સૈનિકોનો  તું  સાચો  સરદાર
જીત જરૂર છે જગમાં તારી થાશે જયજયકાર

કોને  પગલે  પગલે  ચાલી  જાય  છે વણઝાર
તારા  સાદે  શહીદ  થાવા  આવે  નર ને નાર
કોના  સાદે  શહીદ  થાવા  આવે  નર ને નાર

ગીત, સ્વર ને સંગીતઃ શાંતિલાલ શાહ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]