[પાછળ]
ભઈ અમે અમદાવાદી

અમે તો અમદાવાદી....
નથી મહેમદાવાદી કે નથી અમે નડિયાદી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

લાંબા લાંબા ધોળા ડગલા માથે ટોપી કાળી
ભઈ જગત બજારે પૂછી જૂઓ એની આંટ નિરાળી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

તેજી-મંદીના તોફાને કરતા આગેવાની
શેર અને સટ્ટો કરવામાં કરે ન પાછી પાની
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

મોટી મોટી મિલોવાળા ને મોટા વેપારી
અમે અમારું ધાર્યું કરીએ એવી છાપ અમારી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

રાજનગરના રહેવાસી, દેખાવે સીધા સાદા
ભઈ રતનપોળના અમે ઝવેરી, રીચી રોડના દાદા
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

પગમાં ચંપલ પટપટ બોલે, ચાલ જૂઓ તો ચટકાળી
મેલી હોય તેની ઢીલી ધોતી, કિનાર એની કાળી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

વાત વાતમાં લાખ કમાતા, લાખની વાતો કરતા
પરદુઃખ કાજે લાખ ખરચતા જરા ય ન અચકાતા
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

નથી મહેમદાવાદી કે નથી અમે નડિયાદી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

નથી મહેમદાવાદી કે નથી અમે નડિયાદી
ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી

સ્વરઃ હરીશ ભટ્ટ અને યશવંત ભટ્ટ ગીતઃ કવિ મનસ્વી પ્રાંતિજવાળા સંગીતઃ ગણપતરામ પાંચોટિયા ચિત્રપટઃ જવાબદારી (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]