નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીયે રે
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે
પ્રથમ પિતા પ્રહ્લાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં મોહન સાથે મ્હાલી રે
સ્વરઃ ભારતરત્ન એમ.એસ. સુબ્બુલક્ષ્મી
રચનાઃ નરસિંહ મહેતા
ક્લીક કરો અને સાંભળોઃ
|