[પાછળ]
ખબર નો’તી કે આ ઈન્કાર પણ

ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે
તમારી  સંમતિ   મારા  શબદનો  સાર  થઈ જાશે

પ્રબંધોના   પરિઘોમાં   પરીંદા   પાંખ   વીંઝે  ત્યાં
પરમ લક્ષ  પામતા પહેલાં  પ્રથમ પ્રયાણ થઈ જાશે
ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે

ધનુષી   મેઘરંગો   જ્યાં  પરસ્પર   પોતીકાં  થાશે 
સુભગ સંગમ રચાશે  ત્યાં  સુધી  સવાર થઈ જાશે
ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે

કલેજાની   કરામતની  કવિતા   આ  કલમ  ગાશે
રચાશે  રાગની  માળા   અને  રણકાર  થઈ જાશે
ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે

પછી તો  શબ્દથી  ધંખના બજાવે   બીન  બંસીમાં 
મનોહર  મુક્તકો,  ગઝલો  બધું સાકાર થઈ જાશે
ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે

ખબર નો’તી કે આ ઈન્કાર પણ સ્વીકાર થઈ જાશે
તમારી  સંમતિ   મારા  શબદનો  સાર  થઈ જાશે

સ્વરઃ કુમાર પંડ્યા
કવ્વાલીઃ લેફ્ટે. સિદીકભાઈ સુમરા
સંગીતઃ મેહુલ ત્રિવેદી
(આલ્બમઃ ઈબાદત ૨૦૧૭)

ક્લીક કરો ને સાંભળો:

[પાછળ]     [ટોચ]