[પાછળ]
શાંત ઝરૂખે

શાંત  ઝરૂખે   વાટ   નિરખતી
રૂપની   રાણી    જોઈ     હતી
મેં  એક  શેહઝાદી  જોઈ  હતી
એના હાથની મહેંદી  હસતી’તી
એની આંખનું  કાજળ  હસતુ’તું
એક  નાનું સરખું  ઉપવન  જાણે
મોસમ      જોઈ     વિકસતુ’તું

એના સ્મિતમાં સો સો ગીત હતા
એની   ચુપકીદી   સંગીત   હતી
એને  પડછાયાની   હતી   લગન
એને  પગરવ  સાથે   પ્રીત  હતી
એણે   આંખના   આસોપાલવથી
એક  સ્વપ્નમહલ   શણગાર્યો’તો
જરા  નજરને    નીચી   રાખીને
એણે  સમયને  રોકી   રાખ્યો’તો

એ   મોજાં  જેમ    ઉછળતી’તી
ને  પવનની  જેમ   લહેરાતી’તી
કોઈ   હસીને  સામે  આવે   તો 
બહુ   પ્યારભર્યું     શરમાતી’તી
તેને   યૌવનની   આશિષ   હતી
એને  સર્વ   બલાઓ   દૂર  હતી
એના  પ્રેમમાં   ભાગીદાર   થવા
ખુદ  કુદરત   પણ  આતુર  હતી

*	*	*

વર્ષો   બાદ   ફરીથી   આજે 
એ   જ   ઝરૂખો   જોયો   છે
ત્યાં ગીત નથી   સંગીત  નથી
ત્યાં પગરવ  સાથે  પ્રીત  નથી
ત્યાં સ્વપ્નાઓના  મહેલ  નથી
ને   ઉર્મિઓના   ખેલ     નથી
બહુ   સૂનું    સૂનું    લાગે  છે
બહુ  વસમું   વસમું   લાગે  છે

એ    ન્હોતી    મારી    પ્રેમિકા
કે   ન્હોતી     મારી     દુલ્હન
મેં   તો    એને   માત્ર   ઝરૂખે
વાટ    નિરખતી   જોઈ   હતી
કોણ  હતી એ   નામ  હતું  શું
એ  પણ   હું   ક્યાં   જાણું  છું
એમ   છતાંયે   દિલને   આજે
વસમું     વસમું     લાગે    છે
બહુ   સૂનું   સૂનું    લાગે   છે

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ સૈફ પાલનપુરી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]