સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
સાસુ-નણંદ હવે કમ્પ્યૂટર શીખીને
શોધે છે એવો પ્રોગ્રામ,
કે, નવલી વહુઆરુ પણ આવતાંની સાથે જ જો
ભૂલી જાય મહિયરનું નામ
નવલી, વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો
ઈચ્છે છે, ‘માઉસ’ બેયને કરડે,
‘કી-બોર્ડ’ પર હાથ જરા મૂકે તો ‘કી-બોર્ડ’ પણ
સાસુ-નણંદનો હાથ મરડે.
સાસુ-નણંદ હવે ‘ઈ-મેઈલ’માં મોકલે છે,
ધમકીઓ રોજ રોજ એવી,
દહેજમાં એક હજી કમ્યૂટર જોઈએ છે
નહીંતર થશે જ જોવા જેવી.
નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો
‘ઈ-મેઈલ’માં ‘વાયરસ’ મોકલાવતી,
‘ઈ-કાર્ડ’માં ડ્રેક્યૂલા, બાબરિયો ભૂત એવાં
દશ્યોથી બેયને ડરાવતી.
સાસુ-નણંદ વળી ‘વોઈસમેલ’માં મોકલે
ન સાંખી શકાય એવાં મેણાં,
સાસુ-નણંદ અને વહુવારુ વચ્ચેના
જન્મોથી કેવાં છે લેણાં!
‘ઈન્ટરનેટ ચૅટિંગ’માં સામસામી થાતી હોય
સાસુ ને વહુની લડાઈ,
જ્યાં લગી હૈયાવરાળ નહીં ફૂંકે ને ત્યાં લગી
કેમ એ ધરાય?
નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો
મેસેજ છોડે છે કંઈક એવો,
પહેલાંનો ચીલો ચાતરવાનું બંધ કરી
થોડીક તો લાગણીઓ સેવો.
કમ્પ્યૂટર ઈચ્છે છે, આમની અથડામણમાં
જાતે જ ‘કલોઝ’ થઈ જાવું,
દાદા હો દીકરી ને સાસુ-નણંદના
ઝઘડામાં નથી ફસાવું.
ઝઘડામાં અમથું કંઈ નથી જોડાવું કે
બીજું કંઈ નથી શું કામ?
સાસુ-નણંદ હવે કમ્યૂટર શીખીને
શોધે છે એવો પ્રોગ્રામ.
સ્વર: હેમા દેસાઈ, બીજલ અને વિરાજ ઉપાધ્યાય
ગીતઃ આશા પુરોહિત
(આલ્બમઃ ગુજરાતી.કોમ)
ક્લીક કરો અને સાંભળોઃ
|