કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
મૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે
બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ
કેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
સ્વરઃ સરોજ ગુંદાણી
ગીતઃ રાજેન્દ્ર શાહ
સ્વરાંકનઃ અજિત મરચન્ટ
ક્લીક કરો અને સાંભળોઃ
(નોંધઃ ભારે લોકપ્રિયતા ધરાવતું આ ગીત સૌ પ્રથમ સરોજ ગુંદાણીના સ્વરમાં ૧૯૫૮ની સાલમાં ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ગીતા રોયના સ્વરમાં તેની ગ્રામોફોન રેકોર્ડ પણ બહાર પડી હતી. આ બન્ને વર્ઝન હવે ક્યાંય શોધ્યા મળતા નથી. અત્રે આપેલો ઓડિયો તા. ૦૪-૦૫-૨૦૦૨ના રોજ એક કાર્યક્રમમાં સરોજ ગુંદાણીએ આ ગીતની કરેલી પુનઃ રજૂઆતનો છે. આ ઓડિયો મૂળ ખંભાતના પણ હાલ અમેરિકામાં રહેતા જગદીશભાઈ ક્રિશ્ચિયનના બ્લોગ http://jagadishchristian.wordpress.com/ પરથી લેવામાં આવ્યો છે.)
|