[પાછળ]
ભલા એવા માણસને કોણ ઓળખે છે?

સદીઓથી  એવું  જ  બનતું  રહ્યું  છે  કે પ્રેમાળ  માણસ નથી ઓળખાતા

સખી એને  જોવા  તું ચાહી  રહી  છે   જે  સપનું  રહે છે  હંમેશા  અધૂરું
પ્રીતમનો પરિચય  તું  માગી રહી  છે  વિષય  તારો  સુંદર કુતૂહલ  મધૂરું

લે સાંભળ એ સામાન્ય એક આદમી છે હૃદય એનું ભોળું જીવન એનું સાદું
ન ચહેરો રૂપાળો  ન વસ્ત્રોમાં ઠસ્સો  ન આંખોમાં ઓજસ  ન વાતોમાં જાદુ

કવિતાના પણ એ  નથી  ખાસ રસિયા  ન સંગીતમાં કંઈ ગતાગમ છે એને
પસંદ એ  નથી કરતા કિસ્સા કહાણી  કલાથી  ન કોઈ  સમાગમ  છે એને

એ મુંગા જ મહેફિલમાં  બેસી રહે છે છે  ચુપકીદી એની સદંતર નિખાલસ
નથી એની પાસે  દલીલોની  શક્તિ   કદી પણ  નથી કરતા ચર્ચાનું સાહસ

જુએ કોઈ એને  તો  હરગીઝ ન માને કે  આ માનવીમાં મહોબ્બત ભરી છે
ન કોઈના બુરામાં  ન  નિંદા  કોઈની  નસેનસમાં  એની  શરાફત ભરી  છે

જગતની  ધમાલોથી  એ પર રહે છે    છે પોતાને રસ્તે જ સૂરજની માફક
સખી મારા પ્રીતમની છે એ જ ઓળખ છે સૌ લોક માટે જીવન એનું લાયક

ગરીબોની પાસે  કે  રાજાની પડખે  જગા  કોઈ  પણ  હો  શોભી  શકે છે
પરંતુ સખી આવી દુનિયાની અંદર ભલા એવા માણસને કોણ ઓળખે છે?

રચનાઃ મરીઝ
સ્વર-સંગીતઃ મનહર ઉધાસ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]