[પાછળ]
એક જોઈ જુવાનડી લાખમાં

હું   કાળું   અંગરખુ  ઓઢી  શ્રાવણ  થઈને  આવ્યો  છું
ઓ ધરતી તારી પ્યાસ બૂઝવવા પ્રીતના પાણી લાવ્યો છું

આવી જા…   આવી જા…   આવી જા…
ઓ  મનગમતાં  ભમરા  સરવરિયાને ઘાટ
હું  કમલિની પાંખ પ્રસારી જોતી તારી વાટ

એક   જોઈ    જુવાનડી   લાખમાં
જેવી જોઈ તેવી વસી ગઈ આંખમાં

એક  જોયો  જુવાન  મેં તો  લાખમાં
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં

ચંદરમાને ઘડતાં ઘડતાં ઘડી પ્રભુએ ગોરી
સારા જગનુ યૌવન  એને માથે દીધુ ઢોળી

ચિતડાની ચોર આવી મારા વાંકમાં
જેવી જોઈ તેવી વસી ગઈ આંખમાં

એક  જોયો  જુવાન  મેં તો  લાખમાં
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં

રૂપ રતુંબલ એવું જાણે ઊગતો કોઈ પોર
કંઠ  કામણગારો  જાણે  ટહુકે  કોઈ મોર

રાખું  નથડીનું  મોતી  કરી  નાકમાં
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં

એક   જોઈ    જુવાનડી   લાખમાં
જેવી જોઈ તેવી વસી ગઈ આંખમાં

સરવરિયામાં ડોલે  જાણે કોઈ કમળની પાંખડી
બીજના ચંદર જેવી નેણે તીરછી ભમ્મર વાંકડી

જાણે કોયલ બેઠી કેસૂડાના બાગમાં
જેવી જોઈ તેવી  વસી ગઈ આંખમાં

એક  જોયો  જુવાન  મેં તો  લાખમાં
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં

જનમજનમની  સંતાકૂકડી  હું   જુગોથી   સંભારું
આજ મળ્યો તું મનનો માન્યો સફળ થયો જન્મારો

હવે નહિ જાવા દઉં આવ્યો મારા લાગમાં
જેવો  જોયો  તેવો  વસી  ગયો  આંખમાં

એક   જોઈ   જુવાનડી   લાખમાં
જેવી જોઈ તેવી વસી ગઈ આંખમાં

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલે 
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ હલામણ જેઠવો (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]