સંબંધની ગાગરથી સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? લાગણીના દોરડાં ઘસાયા! વાતોની વાવના ઊતરી પગથિયાં અમે પાણી પીધું ને ફસાયા! સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? કેટલીયે વાર મારી ડૂબેલી ઈચ્છાને મીંદડીથી કાઢી છે બા'ર! ગોબા પડેલી ખાલી ગાગરનો મને ઊંચકતાં લાગે છે ભાર! નિર્જન આ પંથે સાવ ધીમી ચાલું તો યે સ્મરણોના નીર છલકાયાં સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? અફવાઓ સુણી સુણીને મને રોજ રોજ પજવે છે ઘરના રે લોકો એકલી પડું ત્યારે આંસુના સથવારે હૈયાનો બોજ કરું હલકો એક પછી એક ગાંઠ વધતી રે જાય ને લાગણીના દોરડાં ટુંકાયા! સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? લાગણીના દોરડાં ઘસાયા! વાતોની વાવના ઊતરી પગથિયાં અમે પાણી પીધું ને ફસાયા! સ્વરઃ હંસા દવે રચનાઃ કવિ મેઘબિન્દુ સંગીતઃ લલિત વર્મા ક્લીક કરો અને સાંભળોઃ
|