[પાછળ]
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
(દુહા)

નેક, ટેક અને ધરમની જ રે અને વળી પાણે પાણે વાત
ઈ તો સંત ને શૂરાના બેસણાં અમ ધરતીની અમીરાત

હે...  ધન દામોકુંડ રેવતી અને ધન ધન તીરથ ધામ
ધન મંદિર ધન માળીયા હે ઓલું ધન ગોકુળીયું ગામ

શાર્દૂલ કેરા સાદથી જ રે અને ઓલી ગહકે ગહકે મોરાંય ગીર
નીજ પહાડા પર સર પ્રાછટે એમ મારો ધન નાદે વનવીર

મનહર મુખે માનુની અને ગુણિયલ જાત  ગંભીર
ઈણ કુંખે  નર  નીપજે ઓલા વંકડ મૂછા વીર

(છંદ)

સ્નેહ, હેત ને કરુણાના જ્યાં કલ કલ ઝરણાં હાસ્ય કરે
પ્રીત પાલવડે રોજ પાળીયે સિંદૂર વરણી સાંજ ઢળે

ખમીરવંત ઘોડાં ખરતાડે ને પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
           રે... તારી આભે કીર્તિ ધજા અડી

શિર પર પગલાં સતી સંતનાં જતી કેડી જંગલ વીંધી
વળી આંગળી ઘર પર પાછી  મહા ધરમ મારગ ચીંધી

સત્ય ધરમ કાજે શૂરવીરની ખેધીલી  તેગો ખખડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
           રે... તારી આભે કીર્તિ ધજા અડી

સ્વરઃ કવિ દાદ, હરિભાઈ રાજગુરુ અને સાથીદારો
રચનાઃ કવિ દાદ
સંગીતઃ કાંતિ સોનછત્રા
ચિત્રપટઃ લાખા લોયણ (૧૯૭૫)

દુહા-છંદના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]