ક્લીક કરો અને સાંભળો વિવિધ કલાકારોને કંઠે
‘કોઈનો લાડકવાયો’
કોઈનો લાડકવાયો
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે
કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો
એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના'વી
એને સીંચણ તેલકચોળા નવ કોઈ બહેની લાવી
કોઈના લાડકવાયાની
ન કોઈએ ખબર પૂછાવી
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી
કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં
કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોંશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી
એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન પિછોડી ઓઢે
કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી
લખજો: 'ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની'
* * * * *
અને સાંભળો વિવિધ કલાકારોને કંઠે
‘છેલ્લો કટોરો ઝેરનો’
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું
આ આખરી ઓશિકડે શિર સોંપવું બાપુ
કાપે ભલે ગર્દન રિપુ મન માપવું બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે
શી છે ગતાગમ રત્નના કામી જનોને
તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે
હૈયાલગી ગળવા ગરલ ઝટ જાઓ રે બાપુ
ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ જાઓ રે બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
કહેશે જગત જોગી તણા શું જોગ ખૂટ્યા
દરિયા ગયા શોષાઈ શું ઘન નીર ખૂટ્યાં
શું આભ સૂરજ ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં
દેખી અમારાં દુઃખ નવ અટકી જજો બાપુ
સહ્યું ઘણું સહીશું વધુ નવ થડકજો બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
ચાબુક જપ્તી દંડ ડંડામારનાં
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં
થોડા ઘણા છંટકાવ ગોળીબારના
એ તો બધાં ય જરી ગયાં કોઠે પડ્યાં બાપુ
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો
બોસા દઈશું ભલે ખાલી હાથ આવો
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ
દુનિયા તણે મોંએ જરી જઈ આવજો બાપુ
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
જગ મારશે મેણા ન આવ્યો આત્મજ્ઞાની
નાવ્યો ગુમાની પોલ પોતાની પિછાની
જગપ્રેમી જોયો દાઝ દુનિયાની ન જાણી
આજાર માનવજાત આકુળ થઈ રહી બાપુ
તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
જા બાપ માતેલ આખલાને નાથવાને
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને
જા સાત સાગર પાર સેતુ બાંધવાને
ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ
ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ
છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ
|