મારું ઘર ક્યાં છે?

દીકરો જન્મે ત્યારે ઘરમાં જે આનંદ છવાય રે
દીકરી ટાણે એ જ આનંદ શાને ના વરતાય રે
શાને ના વરતાય રે
દીકરો પામી માત પિતાના હૈડે હરખ ના માય રે
દીકરીનું મ્હોં જોઈ સહુના ચહેરા શીદ કરમાય રે
ચહેરા શીદ કરમાય રે
દીકરો જન્મે ત્યારે ઘરમાં જે આનંદ છવાય રે
ઘડનારે શાને મુને દીકરી બનાવી રે
માવતરના જીવતરનો ભાર થઈને આવી રે
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
કુળ કેરો દીવડો છે વીરો લાડકવાયો રે
સહુને વ્હાલો લાગે મારી માડીનો જાયો રે
દયા ખાશે કહેશે પોકારી
આ તો છે અબળા બિચારી
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
દીકરાના જેવો દીકરીને મોભો આ.....પો રે
દીકરીને દીકરા કરતાં કદી ક્યાંય ઓછી ન આંકો રે
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
વરસો વરસથી આ વાત કેમે ના સમજાય રે
શા માટે કહે છે દીકરી ને ગાય દોરે ત્યાં જાય રે
સમજે છે લોકો શું અમને
રોકો હવે આ રસમને
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
શક્તિ છે નારી દેવું છે મારે બતાવી રે
આ જગતમાં નારીને કોઈ નહિ શકે સતાવી રે
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
હવે આ સદીમાં નારી જ સઘળે પૂજાશે રે
વિધ વિધ રૂપો નારીના છે જે કણકણમાં દેખાશે રે
નરથી સવાઈ છે નારી
માનો બધા વાત મારી
સમ દે છે દીકરી આ તારી સાચું તું કહેજે માડી મારી
મા.... મારું ઘર ક્યાં છે? મા.... મારું ઘર ક્યાં છે?
સ્વરઃ બેલા સુલાખે
ગીતઃ ભરત આચાર્ય
સંગીતઃ કીર્તિ-ગિરીશ
ચિત્રપટઃ મારું ઘર ક્યાં છે? (૨૦૦૧)
આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
ક્લીક કરો અને સાંભળોઃ
|