[પાછળ]
કુર્યાત્ સદા મંગલમ્

(૧) ઊંચા ઊંચા રે દાદા

ઊંચા ઊંચા રે દાદા ગઢ તે ચણાવજો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા

કાંગરે  ચડીને  બેની   રૂપાબેન  જોશે  કેટલેક  આવે  વરરાજિયા
પાંચસે પાળા રે દાદા  છસે  છડિયારા  ઘોડાની ઘૂમરે  વરરાજિયા

શા શા સામૈયા દાદા  વરના જાનૈયા  શા શા  સામૈયા  વરરાજિયા
ઢોલ  શરણાયું  બેની  વરના જાનૈયા  નગારાની  જોડ  વરરાજિયા

શા શા ઉતારા  દાદા  વરના જાનૈયા  શા શા ઉતારા   વરરાજિયા
ઓરડાં ઓસરીએ  બેની  વરના જાનૈયા  મેડીના મોલે  વરરાજિયા

શા શા નાવણ  દાદા  વરના  જાનૈયા  શા શા  નાવણ  વરરાજિયા
કૂવા  વાવડિયે  બેની  વરના  જાનૈયા  નદીયુંના  નીરે   વરરાજિયા

શા શા ભોજન  દાદા  વરના જાનૈયા  શા શા ભોજન  વરરાજિયા
ભોજન   લાપસી   વરના  જાનૈયા   બત્રીસ  ભોજન  વરરાજિયા

શા શા મુખવાસ દાદા  વરના જાનૈયા  શા શા મુખવાસ વરરાજિયા
લવિંગ સોપારી  બેની   વરના જાનૈયા  પાનનાં બીડલાં  વરરાજિયા

ઊંચા ઊંચા રે દાદા  ગઢ રે ચણાવજો  ગઢથી ઊંચેરા ગઢના કાંગરા
કાંગરે ચડીને  બેની  રૂપાબેને જોયું  આવતાં રે  દીઠાં રે વરરાજિયા

ઊંચા ઊંચા રે દાદા  ગઢ તે ચણાવજો  ગઢથી ઊંચેરા ગઢના કાંગરા

ક્લીક કરો અને સાંભળોઃ


(૨) વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં

વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

ઢાળ્યાં  ઢાળ્યાં  રે   રૂપલાં  બાજોઠ   હો  જિયાવરને  પોંખવા
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

બેની અમારી  ચારુ  ચાંદની  ને રાયવર  સોહે પૂનમનો ચંદ રે
જોડી  શોભે રે સીતા રામની  છાયો છાયો રે  મંગલ આનંદ રે

ગાઓ  ગાઓ  રે  મંગલ  ગીત  રે   વર  કન્યા  બેઠાં  માંડવે
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

શરણાઈ  સૂર ગાજતા  ને  ચોઘડિયાં વાજતા જી
વરતાતો મંગલ અણસાર રે લાખેણો લહાવો લેતાં
જાનૈયા  મ્હાલતાં ને  લાડી  વર  જમતા કંસાર રે

દેતા દાદાજી  અંતરથી આશિષ સદા  સુહાગણ રહેજો દીકરી
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

ક્લીક કરો અને સાંભળોઃ



(૩) કુર્યાત્ સદા મંગલમ્

કન્યા  છે  કુલદીપિકા  ગુણવતી  વિદ્યાવતી શ્રીમતી
પહેરીને  પરિધાન  મંગલ  રૂડાં  આનંદ પામે  અતિ

કંઠે   મંગળસૂત્ર  સુંદર  દિસે  મુક્તાફલો  ઉજ્જ્વલ
પામો એ પ્રિય કન્યકા સુખ ઘણું કુર્યાત્ સદા મંગલમ્

કુર્યાત્ સદા મંગલમ્
કુર્યાત્ સદા મંગલમ્

ક્લીક કરો અને સાંભળોઃ



અને છેલ્લે જરૂર સાંભળો
લગ્નપ્રસંગ માટે અનિવાર્ય એવી શહેનાઈ વાદનની
વિખ્યાત ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ


[પાછળ]     [ટોચ]