[પાછળ]
ક્ષમા કરી દે!

તોફાનને     દઈને    અણછાજતી    મહત્તા
તું  વાતનું  વતેસર  ના  કર  ક્ષમા  કરી  દે!
હોડીનું  એક રમકડું  તુટ્યું  તો થઈ ગયું શું?
મોજાંની બાળહઠ  છે સાગર!  ક્ષમા  કરી દે!

હર શ્વાસ એક મુસીબત                     
                    હર શ્વાસ એક વિમાસણ
પળ પળની યાતનાઓ પળ પળની વેદનાઓ
તારું   દીધેલ  જીવન  મૃત્યુ  સમું   ગણું  તો
મારી   એ  ધૃષ્ટતાને  ઈશ્વર!   ક્ષમા કરી દે!

કાંટાઓનું  બિછાવી બિસ્તર  કહે છે  દુનિયા
પોઢી  જા હસતાં હસતાં  ફૂલોની સેજ  માની
અર્થાત  જુલ્મીઓના  જુલ્મોના  ઘાવ  સહેવા
પહેરી   ઉદારતાનું   બખ્તર   ક્ષમા  કરી દે!

કાંટો  છે  લાગણીનો  વજનો  છે  બુદ્ધિ  કેરાં
તોલું  છું  એ  થકી   હું  જગની  દરેક  વસ્તુ
હે મિત્ર!  તારા દિલનો પણ  તોલ મેં  કર્યો છે
આવે  છે  એની  તોલે  પથ્થર  ક્ષમા  કરી દે!

તું  એક  છે  અને હું  એક  ‘શૂન્ય’  છું  પરંતુ
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતનાં મૂલ્યો
એથી જ  ઓ ગુમાની!  જો  હું કહું કે  તું પણ
મારી  દયા  ઉપર  છે  નિર્ભર  ક્ષમા  કરી દે!

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

ક્લીક કરો અને સાંભળોઃ
 
[પાછળ]     [ટોચ]