[પાછળ]
ચાંદની રાતે ઓ હંસી

ચાંદની રાતે  ઓ હંસી  ચિત્તડું  ન બાળીએ

અંધારા અજવાળાં આઠે પહોર
ચંપો   દેખાશે   નકરો    થોર

સપનામાં  જાગી  જઈને  સાચું  ન ભાળીએ
ચાંદની રાતે  ઓ હંસી  ચિત્તડું  ન બાળીએ

સપનાંની   શૂળ    વાગી
ધરતીની    ધૂળ    લાગી
સામે પૂરે તરવાનો છે તોર

આંબાનું પંખી  બેઠું    બાવળિયાની ડાળીએ
ચાંદની રાતે  ઓ હંસી  ચિત્તડું  ન બાળીએ

ગંગાની    પાવન    ધારા
શિવની   જટામાં   આરા
પહાડી પથ્થરમાં તૂટે જોર

પોતાની  પીડાને  પોતે   મનમાં   પછાડીએ
ચાંદની રાતે  ઓ હંસી  ચિત્તડું  ન બાળીએ

ઘરની  માયા  રહી ઘરમાં
દુનિયા   બેઠી    ડુંગરમાં
ચાંદનીમાં ચીતર્યાં  બપોર

હૈયાની  હોડીને  ના  હાથે   ઊંધી  વાળીએ
ચાંદની રાતે  ઓ હંસી  ચિત્તડું  ન બાળીએ

સ્વરઃ મુકેશ અને અનુરાધા પૌડવાલ
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ ડાકુરાણી ગંગા (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ


આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]