[પાછળ]
તમે વાતો કરો તો...

તમે વાતો કરો  તો  થોડું  સારું લાગે
આ  દૂરનું  આકાશ  મને  મારું લાગે

વૃક્ષો ને પંખી  બે વાતો કરે છે  ત્યારે ખીલે છે લીલેરો રંગ
ભમરાના ગુંજનથી  જાગી  ઊઠે  છે  ફૂલોની  સૂતી સુગંધ
 
તમે મૂંગા  તો ઝરણું  પણ ખારું લાગે
તમે વાતો કરો  તો  થોડું  સારું લાગે

રોમાંચે રોમાંચે દીવા બળે અને આયખું તો તુલસીનો ક્યારો
તારી તે વાણીમાં  વ્હેતો  મૂકું  છું  હું કાંઠે  બાંધેલો જન્મારો

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો  તો  થોડું  સારું લાગે

સ્વરઃ આરતી મુનશી
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]