[પાછળ]
લક્ષ્મીની તસવીરપરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે
બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી
કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી

ભવ્ય એક  કલ્પનાસૃષ્ટિને   ઉલેચી નાખી
આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી
કોઈ કમભાગી  ફરી  એની ખરીદી  કરશે
મારી  માફક  બહુ  સંભાળશે શ્રદ્ધા રાખી
એ પછી દર્દની દુનિયામાં ભટકતો  ફરશે

આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

શું  કરે કોઈ  જ્યાં શ્રદ્ધાની ઈમારત  તૂટે
જર્જરિત થઈને પડી  જાય પુરાણા સંસ્કાર
ઘોર કંગાલિયત  આવીને   જીવનને  ઘૂંટે
કોણ  સંભાળે  પરાપૂર્વેના  અંધા  આચાર

આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

એક નિર્જીવ આ  કાગળના ભરોસા  ઉપર
કેટલાં  વર્ષ  મેં  શ્રદ્ધાઓ  ટકાવી   રાખી
શૂન્ય  વર્તમાનમાં  રાખી  ન ભાવિની ફિકર
મુજ વડિલોની  પ્રણાલિકા  નભાવી  રાખી

આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

પણ હવે ઘરમાં  સલામત નથી વસ્તુ કોઈ
છેક  નાકા ઉપર ઊભી  છે ગરીબી મારી
કેમ  જિવાય  આ  તસવીરને  જોઈ  જોઈ
ક્યાં સુધી કોઈ  ઉઠાવી  શકે આ લાચારી

આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

એક થપાટાથી બૂઝાવી દીધો શ્રદ્ધાનો ચિરાગ
ભાગ્યને ઢાંકતી  સૌ  ચાદરો  ખેંચી નાખી
આજથી થઈ ગયા આઝાદ હવે દિલ ને દિમાગ
આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

ભવ્ય એક  કલ્પનાસૃષ્ટિને   ઉલેચી નાખી
આજ  મેં લક્ષ્મીની તસવીરને  વેચી નાખી

સ્વરઃ પંકજ ઉધાસ
રચનાઃ મરીઝ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]