[પાછળ]
મુબારક તમોને એ રૂપિયાની થેલી

છત્ર   બનીને    છત્રપતિનું     શિર    ઝૂક્યું    આકાશ
ને  પાથરી  પથ્થર  કેરી  પથારી  અમે   સૂતા બારે માસ
પૈસો   તો   છે   મેલ   હાથનો,   સદાય    હૈયે    હાશ
આ સડકના શહેનશાહને દરબારે કદી દુઃખના આવે પાસ

મુબારક તમોને   એ  રૂપિયાની  થેલી
મુબારક  તમોને    બગીચો    ચમેલી
જહીં જીવતા શ્રમિકોની   કાયા નમેલી
મુબારક   તમોને    તમારી     હવેલી
અમારું     સદન      અમારું    વતન
અમારું છે  ધન  આ  સડક  મેલીઘેલી

નથી  આ  કથા  કે  કવિતાનાં  ગીતો
નથી  રોશનાઈ,  આ  લોહીનો  લીંટો
છત્તર  ગગનનું   ને  બિસ્તરમાં  ઈંટો
અમારી  હવેલી   ને  દિશાની  ભીંતો
સગડી   સૂરજની,   દીવો  ચન્દ્રમાનો
નિરંતર  પવન   નાખે  પંખો  મજાનો

સદા પ્હેરો  ભરતો  પ્રભુ થઈને  બેલી
મુબારક    તમોને   તમારી     હવેલી
મુબારક તમોને   એ  રૂપિયાની  થેલી

ભલે  ના  મળે રાતી  ખિસ્સામાં કોડી
આ બે પગની મોટર સદા રહેતી દોડી
નોકરમાં  હાજર આ  બે કરની  જોડી
ગટરનો   બગીચો  ગાલીચો   મટોડી

ભલે  લાગે વાતો  અમારી  આ  ઘેલી
મુબારક   તમોને    તમારી     હવેલી
અમારું     સદન      અમારું    વતન
અમારું છે  ધન  આ  સડક  મેલીઘેલી
મુબારક તમોને   એ  રૂપિયાની  થેલી

ગરીબો  તમે   ને    અમે   શહેનશાહો
ભલે   કંટકોથી   ભરેલી    હો    રાહો
અમારી   હવેલીનો    લેવાને     લ્હાવો
મિસ્ટર જરા અહીં તો બિસ્તર બિછાવો

હો  મોટાઈ   તમને  મુબારક   છકેલી
મુબારક   તમોને    તમારી     હવેલી
અમારું     સદન      અમારું    વતન
અમારું છે  ધન  આ  સડક  મેલીઘેલી
મુબારક તમોને   એ  રૂપિયાની  થેલી

સ્વરઃ મહમદ રફી
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ચૂંદડી ચોખા (૧૯૬૧)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]