ન તો કંપ છે ધરાનો ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા, ઘણી વાર ભર બપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો, કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું. નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો, નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું. બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો, ન જિવાયું દર્દ રૂપે તો સ્વયં મટી ગયો છું. ’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. રચનાઃ ગની દહીંવાળા સ્વરઃ પંકજ ઉધાસ ક્લીક કરો અને સાંભળો આ વિખ્યાત રચનાનું સુરત ખાતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગઃ
|