[પાછળ]
પ્રભુ! તારી મંડાણી દૂકાન!

મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! વદે ગોર, પંડ્યા, પૂજારી : ‘કોઈ લઈ લ્યો રે ભગવાન!’ પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! ધનવાનોએ ભગવાનોનો શું ઈજારો રાખ્યો? પુણ્ય પાપનો દોર પ્રભુ શું નાણાંથી રે આંક્યો? પૈસાથી પરસાદ મળે તુજ અન્નકુટ પકવાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! દામ હોય તો રામ મળે ને નામ હોય તો તીરથ ફળે ગરીબ તુજને મનમંદિરમાં રાખી ઘરનો લોટ દળે કદી નથી અણજાણ રહ્યો તું આજે કાં અણજાણ? પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! થાળ ધરાવે મિલમાલિક ને ધજા ચડાવે શેઠ પૂજન અર્ચનના પણ પૈસા, વૈકુંઠ આવે હેઠ; પૂછું પ્રભુ! આ પ્રભુતાના કે લઘુતાના એંધાણ? પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! શું દ્વારિકા, શું અમ્બિકા, શું કાશી, શું વૃન્દાવન મથુરા, ગોકુલ કે રામેશ્વર હરદ્વારનું આંગણ; શુદ્ધ ભક્તિની શક્તિ કેરાં ક્યાંય નહિ નિશાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન! પૈસે દીધે મારુતિને ફૂલ સિન્દુર ને તેલ ચડે મહાદેવનું પુણ્ય પામવા રુદ્રી કેરા દામ પડે ગરીબાઈનાં ક્યાંયે નહિ પ્રભુ થાશે શું સન્માન? પ્રભુ! તારી મંડાણી દૂકાન! મંડાણી દૂકાન! પ્રભુ! તારી મંડાણી દૂકાન!

સ્વરઃ વસુમતિ દિવેટીયા અને અવિનાશ વ્યાસ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]