[પાછળ]
હે ઈ તો કીયા રે હો ગામનો

હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો
કે દલડું મારું લેતો ગયો
દલડું લેતો ગયો હો દુઃખડાં દેતો ગયો

મેળે મેં ભાળ્યો'તો પૂનમને દન
વાર્યું તોયે વારી ગયું ભોળું મારું મન
વાતો'તો વાયરો સનન સનન સન
લઈ ગયો દલ મારું અણજાણ્યો જન

હે એ તો થઈને ચાંદલિયો ચિત્ત ચોરી ગયો
હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો
કે દલડું મારું લેતો ગયો

લાંબા રે ઓડિયાં ને અલગારી ચાલ
જોઈ જુવાન ગયું ઊભરાઈ વ્હાલ
ફેંટાનું છોગું ફરકે નટખટ નખરાળ
નમણાં નંદલાલ કેરો દેતો'તો ખ્યાલ

હે આવી સપનામાં રાત'દી સતાવી રહ્યો
હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો
કે દલડું મારું લેતો ગયો

એ ગોતું થઈને બ્હાવરી  ને ફરતી ગામેગામ
એ પણ  મુજને  શોધતો અંતર આતમ રામ
ઝૂરતાં દિલ બે મીઠડાં ને મળિયાં સામોસામ
રંગલો જામ્યો રાસડે  હું થઈ રાધા એ શ્યામ

સ્વરઃ સુમન કલ્યાણપુર
ગીત-સંગીતઃ જયંતી જોશી (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ

[આ સુંદર ગીત અને તેના શબ્દ શોધીને પૂરા પાડવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર]

[પાછળ]     [ટોચ]