[પાછળ]
બની આઝાદ જ્યારે માનવી

અહીં જે લોક જોઉં છું બધા પામાલ લાગે છે
સિકંદરના  સિકંદર છે છતાં બેહાલ લાગે છે
કદી પણ કોઈની આગળ ન ધરજે હાથ ઓ રજની
જગત આખું મને નિર્ધન અને કંગાલ લાગે છે

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે
સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે

પુનિત પગલાં કોઈનાં થઈ રહ્યાં છે આંગણે મારા
મને લાગે છે આજે જિંદગીની કાલ બદલે છે

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે

અરે ઓ આવનારા આવ નાજુક છે બહુ અવસર
જીવનના હાલ જોઈને મરણ પણ ખ્યાલ બદલે છે

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે

ઉષાના પ્રેમથી રંગાય છે રજની તણી આંખો
સવાર આવે છે ત્યારે રંગ એનાં લાલ બદલે છે

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ રજની પાલનપુરી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]