[પાછળ] 


સંગીત-નૃત્ય નાટિકા રાસ-દુલારી


      ૧૯૫૦ અને ૧૯૬૦નો દાયકો મુંબઈના તખ્તા માટે નૃત્ય નાટિકાનો યુગ હતો. તે સમયે ભજવાયેલી કેટલીક અનન્ય નૃત્ય નાટિકામાં ડિસ્કવરી ઓફ ઈન્ડિયા, રિધમ્સ ઓફ ઈન્ડિયા, વર્ષા, ઉષા, રાજ નર્તકી, વાસવદત્તા, દેખ તેરી બમ્બઈ અને કૃષ્ણ-લીલાનો સમાવેશ થાય છે. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયેલા ઢસાના રાજવી ગોપાળદાસ દરબારના પુત્ર અને જાણીતા નૃત્યકાર યોગિન દેસાઈ ઉર્ફે યોગસુંદર દ્વારા નિર્મિત-અભિનિત નાટિકા રિધમ્સ ઓફ ઈન્ડિયા જ્યારે ૧૯૫૫માં રજૂ થઈ ત્યારે વિવેચકોની ભરપૂર પ્રસંશા મેળવી ગઈ હતી.

      શાંતા ગાંધીની રઝિયા સુલતાના અને જસમા ઓડણ અને દીના ગાંધીની મેના ગુર્જરી પણ તે યુગમાં ભજવાઈ તો તે સાથે અવિનાશ વ્યાસ અને યોગેન્દ્ર દેસાઈની જુગલજોડીએ ભૂખ, નરસૈંયો, મીરાબાઈ, આમ્રપાલી, અનારકલી, ચૌલાદેવી, મહેરામણના મોતી, સરસ્વતીચંદ્ર વગેરે સુંદર નૃત્ય નાટિકાઓ આપી. ભારતીય વિદ્યા ભવન દ્વારા શરૂ કરાયેલા કલા કેન્દ્રની પ્રવૃત્તિ સંભાળતા અવિનાશ વ્યાસ-યોગેન્દ્ર દેસાઈનું નૃત્ય નાટિકા ક્ષેત્રે પ્રદાન અવિસ્મરણીય રહેશે. રાસ-દુલારી નૃત્ય નાટિકા આ જુગલજોડીનું સંભવતઃ છેલ્લું નિર્માણ હતું. રાસ-દુલારી નાટિકાના ૧૦૦થી વધુ શૉ થયા હતા અને મુંબઈ ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ તે ભજવાઈ હતી.

      આ રાસ-દુલારી નૃત્ય-નાટિકાનું અત્યારે દુર્લભ એવું ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ રેકોર્ડિંગ વિલે-પાર્લે (મુંબઈ) નિવાસી એડવોકેટ શ્રી બી.એમ. વ્યાસ પાસે સચવાયેલું હતું. આ નાટિકાના વિવિધ ગીતો કોના સ્વરમાં છે? આ ગીતો પર ક્યા કલાકારોએ અભિનય કર્યો હતો વગેરે વધુ માહિતી જો કોઈની પાસે હોય તો તે mavjibhai@gmail.com પર ઈ-મેલ કરીને મોકલાવવા ખાસ વિનંતી છે.

      જે રસિક જનોને રાસ-દુલારીનું ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક કરીને પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર નાટિકા ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. ડાઉનલોડ થતી ફાઈલ ઝીપ ફાઈલ છે જેને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ ફાઈલ બહાર આવશે.

‘રાસ-દુલારી’ નાટિકા ડાઉનલોડ
(ઝીપ ફાઈલની સાઈઝ ૪.૫૫ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૪૧ મિનિટ ૧૦ સેકન્ડ) [પાછળ]      [ટોચ]