[પાછળ] 

અપનાવો યુનિકોડ ફોન્ટ


૧૯૮૦ના દાયકામાં ભારતે બનાવેલા ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ કી બોર્ડના લે-આઉટનું ચિત્ર. લગભગ ૨૦૦૩ની સાલથી એપલ અને માઈક્રોસોફ્ટ બન્ને કંપનીઓએ આ ગુજરાતી કી બોર્ડ અપનાવ્યું છે અને આ બન્ને પ્રકારના કોમ્પ્યુટરમાં આ કી બોર્ડ પ્રિ-ઈન્સ્ટોલ્ડ આવે છે. આ ચિત્રમાં દેખાતા અક્ષરો શ્રુતિ યુનિકોડ ફોન્ટમાં છે.

ઈન્સ્ક્રીપ્ટ કી બોર્ડ પર શિફ્ટ કી દબાવવાથી મળતા અક્ષરોનું ચિત્ર


      તમને ખબર છે કે ભારતની રાજ્ય કક્ષાની કુલ ૨૨ સત્તાવાર ભાષાઓમાંથી કાશ્મિરી, સિંધી અને ઉર્દુને એ ત્રણને બાદ કરતાં બાકીની તમામ ૧૯ ભાષાઓ એટલે કે ડોગરી, પંજાબી, હિન્દી, સંસ્કૃત, મૈથિલી, બંગાલી, નેપાળી, આસામી, બોડો, મણીપુરી-મૈતેયી, ઓડિયા, સાંથાલી, ગુજરાતી, મરાઠી, કોંકણી, કન્નડ, તેલુગુ, મલાયલમ અને તામિલ ભાષાની લિપિ જુની બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવી છે અને એક સરખી લાક્ષણિકતાઓ ધરાવે છે, એટલે તેમના ફોન્ટ લગભગ સરખા છે અને લગભગ એક સરખા કી બોર્ડથી આ તમામ ભાષામાં ટાઈપ કરી શકાય છે? તમને ખબર છે કે એપલ અને માઈક્રોસોફ્ટ એ બન્ને કંપનીઓનો જન્મ થયો તે પહેલાં જ આપણી પાસે બધી જ ભારતીય ભાષા કોમ્પ્યુટર પર ટાઈપ કરવા માટેના કી બોર્ડ તૈયાર હતા?

      ગુજરાતી પ્રજામાં કોમ્પ્યુટર ડેસ્કટૉપ-લેપટૉપ અને સ્માર્ટ ફોન/ ટેબ્લેટનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો છે. પરંતુ ફોન્ટ અને કી બોર્ડ વિશે ભાગ્યે જ કોઈ જાણકારી છે. [ગુજરાતી પ્રજા તો WhatsAppને શિંગડાની જેમ માથે લઈને ફરે છે. જો કોઈ કહે કે હું WhatsApp પર નથી તો તેની સામે એવી રીતે જોવામાં છે કે જાણે કોઈ શિંગડાવાળું પ્રાણી (જેમ કે બળદ?) કોઈ અન્ય શિંગડા વિનાના પ્રાણી (ગધેડું?)ને કરુણાભાવ સાથે નિહાળતું હોય!

કોમ્પ્યુટર પર ગુજરાતી લખતા લોકો માટે માવજીભાઈ એક નવું નજરાણું લઈને આવ્યા છે. એ છે યુનિકોડ ફોન્ટ. પણ નવા યુનિકોડ ફોન્ટ વિશે વાત કરતા પહેલા આપણે યુનિકોડ એટલે શું તે જરા સમજી લઈએ. યુનિકોડ એક સ્વૈચ્છિક આંદોલન છે. કોમ્પ્યુટરમાં વપરાતા ફોન્ટના ધારા ધોરણ અને નિયમો ઘડવાનું આંદોલન. રસ્તા પર ચાલતા ટ્રાફિક માટે સારા નિયમો ઘડાય અને સૌ એ નિયમોનું પાલન કરે તો બધાની જિંદગી આસાન બને પણ જો સૌ પોતાને ફાવે તેમ - બીજા લોકોની પરવા કર્યા વિના - વાહનો દોડાવે તો બધાની હાલત ખરાબ થઈ જાય. એવું જ આ ફોન્ટનું છે. અંગ્રેજી ભાષામાં હજુ પણ થોડી ઘણી શિસ્ત સાથે ફોન્ટ બનતા અને વપરાતા હતા પણ અંગ્રેજી સિવાયની દુનિયાભરની બધી ભાષાઓમાં જે જે ફોન્ટ બનાવાયા તેમાં જે અરાજકતા હતી તે બહુ ખરાબ હતી અને તેની આગળ કોમ્પ્યુટરના ઉત્પાદકો અને સોફ્ટવેર બનાવતા પ્રોગ્રામરો પણ સાવ લાચાર થઈ ગયા હતા.

      અંગ્રેજી સહિતની જગતભરની બધી ભાષાઓ માટે ફોન્ટના એક સરખા ધારા ધોરણ હોવા જોઈએ એવું એક વ્યવસ્થિત આંદોલન ૧૯૯૧થી શરૂ થયું. પ્રથમ એટલે કે ૧૯૯૦ના દાયકામાં યુનિકોડ આંદોલનને જોઈએ તેટલું સમર્થ ન મળ્યું એટલે કોમ્પ્યુટર વાપરનારાઓને પણ યુનિકોડના મહત્વનો ખ્યાલ ન આવ્યો. પણ હવે ૨૦૧૦ના વર્ષ પછી જ લાગતા વળગતા લગભગ બધા લોકો યુનિકોડનું મહત્વ સમજી શક્યા છે અને જગતભરમાં બધે જ યુનિકોડ ફોન્ટના ધારાધોરણ સર્વ સ્વીકૃત બન્યા છે. હવે તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે જે લોકો નોન-યુનિકોડ ફોન્ટ બનાવે છે અને વાપરે છે તેમનો કોઈ ભાવ નહિ પૂછે. યુનિકોડ કોન્સોર્ટિયમ આમ તો બિન-સરકારી સંસ્થા છે પણ ભારત સરકાર સહિત જગતભરની તમામ સરકારો હવે ફોન્ટની બાબતમાં યુનિકોડના નિયમોને સંપૂર્ણ માન આપે છે. યુનિકોડના કારણે જગતની તમામ ભાષા અને લિપિ અંગ્રેજીની સમકક્ષ બની ગઈ છે. જે કોઈ કામ તમે કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં કરી શકો છો તે કામ હવે તમે ગુજરાતી કે અન્ય કોઈ ભાષામાં કરી શકો છો. યુનિકોડ ફોન્ટના ધારા ધોરણો અત્યારે જગતભરની કઈ કઈ ભાષા અને કઈ કઈ લિપિને આવરી લે છે તેની વિગતવાર વિશાળ યાદી જોવી હોય તો તે નીચેની લિન્ક પર તે ઉપલબ્ધ છેઃ

http://www.unicode.org/cldr/charts/latest/supplemental/languages_and_scripts.html

      તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ૧૯૯૧ની સાલમાં અમેરિકામાં પ્રથમ વખત યુનિકોડના ધારા ધોરણો ઘડાયા ત્યારે તેમાં જગતભરની જે જે ભાષાઓ અને લિપિ આવરી લેવાઈ તેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ છેક ૧૯૯૧ સાલથી જ ગુજરાતી યુનિકોડ ફોન્ટના ધારા ધોરણ ઉપલબ્ધ છે. પરંતુ ૧૯૯૧થી ૨૦૧૬ સુધીના ૨૫ વર્ષમાં ગુજરાતી ભાષા માટે ૨૫ ફ્રી યુનિકોડ ફોન્ટ પણ ઉપલબ્ધ બન્યા નથી.

      આજે તમે મેક કે વિન્ડોઝ કોમ્પ્યુટર ખરીદો ત્યારે તમને ક્યા ગુજરાતી યુનિકોડ ફોન્ટ પ્રિ-ઈન્સ્ટોલ્ડ મળે છે તે જાણો છો? મેક મશિનમાં ગુજરાતી એમટી (Gujarati MT) અને વિન્ડોઝ મશિનમાં શ્રુતિ ફોન્ટ પ્રિ-ઈન્સ્ટોલ્ડ આવે છે. આ બન્ને હોંશિયાર કંપનીઓઓએ પોતાના ફોન્ટ એવી રીતે બનાવ્યા છે કે ગુજરાતી એમટી વિન્ડોઝમાં ન ચાલે અને શ્રુતિ મેક મશિનમાં ન ચાલે! બન્ને કંપનીઓ કોઈ કોઈ વખત એક વધારાના ગુજરાતી યુનિકોડ ફોન્ટ આપે છે પણ તે દમ વિનાના છે. અત્યારે તમારે ગુજરાતી એમટી કે શ્રુતિ ઉપરાંત અન્ય કોઈ સરસ મજાના દમદાર ગુજરાતી યુનિકોડ ફોન્ટ જોઈતા હોય તો શું કરશો? જોઈએ તો એકત્ર ફાઉન્ડેશન (http://www.ekatrafoundation.org/) તરફથી ઉપલબ્ધ કરાવાયેલા એકત્ર ફોન્ટનો ઉપયોગ કરજો અથવા તો શ્રી પ્રવીણ સાતપૂતેએ (http://pravin-s.blogspot.in/) ફેડોરા પ્રોજેક્ટ અન્વયે બનાવેલા લોહિત ગુજરાતી વાપરજો.

      માવજીભાઈના બનાવેલા કુલ ૧૦ યુનિકોડ ફોન્ટ અત્રે પ્રસ્તુત છે. આ ફોન્ટ માત્ર અભ્યાસ અને પ્રયોગ કરવા ખાતર બનાવાયેલા ફોન્ટ છે. તે કોઈ સર્વાંગ-સંપૂર્ણ કે પ્રોફેશનલ ગ્રેડના ફોન્ટ નથી. આ બધા ફોન્ટમાં કંઈ ને કંઈ ઉણપ-અધુરપ મળી જ આવશે. આ ફોન્ટ વાપર્યા પછી તેમાં કઈ કઈ ખામી રહી ગઈ છે અને તેમાં શું સુધારા-વધારા જરૂરી છે વગેરે બાબત જરૂર mavjibhai at gmail dot comના સરનામે જણાવતા રહેજો. (આમાંના વિજયા ફોન્ટનો નાનકડો ઈતિહાસ છે. આ મૂળ બીટમેપ ફોન્ટ આમ તો ‘સંતુ રંગીલી’ નાટકના લેખક શ્રી મધુ રાયે ૧૯૮૦ના દાયકામાં બનાવ્યા હતા. આ ફોન્ટને શ્રી રતિલાલ ચંદરયાએ ગુજરાતી લેક્સીકોનની પ્રવૃત્તિ માટે ખરીદી લીધા હતા અને હિમાંશુ મિસ્ત્રી પાસે સુધારા વધારા કરાવી તેને વિજયા ફોન્ટનું નામ આપ્યું હતું. આ ફોન્ટને હવે વધુ સુધારીને યુનિકોડ ફોર્મેટમાં ફેરવી સાર્વજનિક ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવાયા છે.)

      આ તમામ ફોન્ટમાં જેમને જે કંઈ સુધારા-વધારા કે ફેરફાર કરવા હોય તે કરી શકે છે. એપલ મેકિન્ટોશ અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ બન્ને પ્રકારના કોમ્પ્યુટરમાં સરખું કામ આપતા આ તમામ ગુજરાતી યુનિકોડ ફોન્ટને ડાઉનલોડ કરવાની લિન્ક આ પ્રમાણે છેઃ(આમાંથી કોઈ લિન્ક કામ ન કરે અને તમારાથી ફોન્ટ ફાઈલ ડાઉનલોડ ન થઈ શકે તો તે બાબતની માવજીભાઈએટજીમેઈલ.કોમ પર જાણ કરજો.)

(૧) અમદાવાદ યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ફાઈલની સાઈઝ ૯૨ કે.બી.)


(૨) વડોદરા યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(માત્ર ડેકોરેટિવ હેડિંગ માટે જ ઉપયોગી)
(ફાઈલની સાઈઝ ૧૩૦ કે.બી.)


(૩) રાજકોટ યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ફાઈલની સાઈઝ ૬૬ કે.બી.)


(૪) વિજયા યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ફાઈલની સાઈઝ ૬૬ કે.બી.)


(૫) ભુજ યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી માટે બહુભાષી ફોન્ટ)
(ફાઈલની સાઈઝ ૭૩૯ કે.બી.)


(૬) ભાવનગર યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી માટે બહુભાષી ફોન્ટ)
(ફાઈલની સાઈઝ ૧૧૨ કે.બી.)


(૭) સુરત યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી માટે બહુભાષી ફોન્ટ.
માત્ર ડેકોરેટિવ હેડિંગ માટે જ ઉપયોગી)
(ફાઈલની સાઈઝ ૧૫૮ કે.બી.)


(૮) મહેસાણા હેવી ફોન્ટ ડાઉનલોડ
(ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી માટે બહુભાષી હેવી ફોન્ટ.
ગુજરાતી લિપિ માટે બ્લેક અથવા હેવી ફોન્ટના બાબતમાં લગભગ શૂન્યાવકાશ જેવી સ્થિતિ છે.
યુનિકોડમાં તો કોઈ નથી. હેવી ફોન્ટ ૪૮ પોઈન્ટ કે તેથી વધુ સાઈઝમાં વધુ સારા લાગે છે.)
(ફાઈલની સાઈઝ ૧૩૦ કે.બી.)


(૯) ગાંધીનગર યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(ગુજરાતી ભાષા માટે એવો પ્રથમ ફ્રી ફોન્ટ કે જેમાં યુનિકોડ ૯.૦ના ગુજરાતી લિપિ માટેના છેલ્લા ધારાધોરણ અનુસારની તમામ ૮૫ ગ્લિફ, પરંપરાગત રીતે વપરાતી મોટા ભાગની વૈકલ્પિક ગ્લિફ, મોટા ભાગના જોડાક્ષરો, વૈદિક પાઠને ગુજરાતીમાં મૂકવા માટે જરૂરી એવા ઉદત્ત, અનુદત્ત વગેરે સંકેતો, છંદ માટેના લઘુ. ગુરૂ ચિહ્નો વગેરે સમાવી લેવાયા છે અને સાથે રોમન લિપિના alphabet, numbers, punctuation marks પણ છે.)
(ફાઈલની સાઈઝ ૮૩ કે.બી.)


(૧૦) નકામા યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ
(માવજીભાઈએ મનોમન કરેલા સંકલ્પ પ્રમાણેનો આ ૧૦મો અને છેલ્લો યુનિકોડ ફોન્ટ છે. આ ફોન્ટનું નામ નકામા ફોન્ટ છે અને તે તેના નામ પ્રમાણે ખરેખર નકામા છે. વાપરશો એટલે તમે જાતે જ કહેશો કે આવા તે કંઈ ફોન્ટ હોતા હશે? જે માણસના હસ્તાક્ષર ખરાબ હોય તે પોતાના હસ્તાક્ષરથી ફોન્ટ બનાવવા જાય તે કેવા ખરાબ ફોન્ટ બનાવે તેનો આ નમુનો છે. પણ જો તમારામાં હોંશ હોય તો તમે જાતે આ ખરાબ ફોન્ટને એક સુંદર, સરસ, આકર્ષક ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકશો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે એક સાદો કોરો કાગળ લઈ તેના પર સરસ મરોડદાર અક્ષરમાં ક્ક્કો-બારાખડી જાતે લખવા અથવા કોઈ કલાકાર પાસે લખાવડાવવા અને તે અક્ષરો સ્કેન કરી આ નકામા ફોન્ટમાં રહેલા ભંગાર અક્ષરોના સ્થાને મૂકી દેવાના એટલે એક હાઈ ક્લાસ, મનગમતા ગુજરાતી યુનિકોડ ફોન્ટ તૈયાર! આ કામ જરા પણ મુશ્કેલ નથી. છતાં તમારું આ કામ ક્યાંક અટકી પડે તો માવજીભાઈને રસ્તો પૂછજો. એ તમને પોતાનાથી આવડે તેટલું જરૂરી માર્ગદર્શન આપશે.)
(ફાઈલની સાઈઝ ૭૦ કે.બી.)


 [પાછળ]     [ટોચ]